પાંચ નવા રાજ્યપાલોની નિમણૂક; ત્રણ તલાક ખરડાનું સમર્થન કરનાર ખાન કેરળના નવા રાજ્યપાલ

નવી દિલ્હી – રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્ર સરકારની ભલામણને આધારે આજે પાંચ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ટ્રિપલ તલાક ખરડાને સમર્થન આપનાર આરિફ મોહમ્મદ ખાનને કેરળના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

આરિફ મોહમ્મદ ખાન

એવી જ રીતે, ભાજપના સિનિયર નેતા ભગત સિંહ કોશ્યારીને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે.

ભાજપના અન્ય મહિલા સિનિયર નેતા તામિલસાઈ સૌંદરરાજનને તેલંગણાના ગવર્નર બનાવવામાં આવ્યા છે.

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બંગારુ દત્તાત્રેયને હિમાચલ પ્રદેશના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

58 વર્ષીય સોંદરરાજન તામિલ નાડુ ભાજપના ભૂતપૂર્વ વડાં છે અને પક્ષનાં રાષ્ટ્રીય સચિવ છે. તે હવે તેલંગણામાં રાજભવનમાં પદ સંભાળશે.

તામિલસાઈ સૌંદરરાજન

ભગતસિંહ કોશ્યારી મહારાષ્ટ્રના ગવર્નર તરીકે વિદ્યાસાગર રાવના અનુગામી બન્યા છે. રાવની પાંચ વર્ષની મુદત પૂરી થઈ છે.

ભગત સિંહ કોશ્યારી

આરિફ મોહમ્મદ ખાન ભૂતપૂર્વ કેન્દ્રિય એવિએશન પ્રધાન છે. એમણે  એ કેરળના રાજ્યપાલ તરીકે પી. સથશિવમના અનુગામી બન્યા છે. સથશિવમ ભારતના ભૂતપૂર્વ વડા ન્યાયમૂર્તિ છે. એમની પાંચ વર્ષની મુદત પણ પૂરી થઈ છે.

કલરાજ મિશ્રાને હિમાચલ પ્રદેશમાંથી ખસેડી રાજસ્થાનનાં રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. હિમાચલમાં એમની જગ્યાએ દત્તાત્રેયને નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં મિશ્રા બન્યા છે કલ્યાણ સિંહના અનુગામી.

કલરાજ મિશ્રા

ખાન 1980ના દાયકામાં કોંગ્રેસમાં જોડાયા હતા. 1980માં તેઓ કાનપુરમાંથી અને 1984માં બાહરિચમાંથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. બાદમાં રાજીવ ગાંધી સાથે મતભેદ થતાં એમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે તેઓ ટ્રિપલ તલાકની વિરુદ્ધમાં હતા. એ જનતા દળમાં જોડાયા હતા અને 1989માં લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. જનતા દળની સરકારમાં એ મુલ્કી ઉડ્ડયન પ્રધાન બન્યા હતા. ત્યારબાદ જનતા દળ છોડીને એ બહુજન સમાજ પાર્ટીમાં જોડાયા હતા અને 1998માં બાહરિચમાંથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. 2004માં એ ભાજપમાં જોડાયા હતા, પણ 2007માં એ પાર્ટીને છોડી દીધી હતી અને પક્ષવિહોણા રહ્યા હતા.

જમ્મુ-કશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને રદ કરવાના નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયને પણ ખાને સમર્થન આપ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]