લોકડાઉન દરમિયાન કરોડો ખેડૂતોના ખાતામાં જમા કરાઈ રકમ

નવી દિલ્હીઃ સરકારે કોરોના વાઈરસ વિરોધી લોકડાઉનના સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજના અંતર્ગત 9.65 કરોડ ખેડૂતોના બેંક ખાતાઓમાં 19,000 કરોડ રુપિયાથી વધારે રકમ જમા કરાવી છે. આ યોજનાની જાહેરાત ગત વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. યોજના અંતર્ગત 14 કરોડ ખેડૂતોને ત્રણ હપ્તામાં 6000 રુપિયા આપવામાં આવશે.

કૃષિ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, દેશભરમાં લોકડાઉન શરુ થયું ત્યારથી લઈને અત્યારસુધીમાં પીએમ-કિસાન યોજના અંતર્ગત 9.65 કરોડ ખેડૂત પરિવારોના ખાતામાં 19,100.77 કરોડ રુપિયાની રકમ જમા કરવામાં આવી છે.

ખરીફ એટલે કે ગરમીઓમાં વાવવામાં આવેલા પાકના આંકડાઓની વિગતો આપતા કૃષિ મંત્રાલયે કહ્યું કે, અત્યારસુધીમાં 34.87 લાખ હેક્ટર ક્ષેત્રમાં વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો 25.29 લાખ હેક્ટર હતો.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે, લોકડાઉન દરમિયાન ‘નાફેડ’ સંસ્થાએ 5.89 લાખ ટન ચણા, 4.97 લાખ ટન સરસવ અને 4.99 લાખ ટન તુવેરની ખરીદી કરી છે. તાજેતરમાં જ કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે થયેલા આર્થિક નુકસાન બાદ હવે કેન્દ્ર સરકારે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી અને આમાં ખેડુતો માટે કેટલાય મહત્વના પ્રાવધાન કરવામાં આવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]