અમદાવાદઃ વર્ષ 2002નાં રમખાણો પછી બિલ્કિસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારની હત્યાને મામલે દોષી ઠેરવવામાં આવેલા 11 લોકોને સમય પહેલાં છોડવા માટે કેન્દ્રએ મંજૂરી આપી હતી, એમ સિનિયર સુપ્રીમ કોર્ટના વકીલ રિશી મલ્હોત્રાએ કહ્યું હતું. જોકે આ કેસના દોષીઓને છોડી મૂકવાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ નવ સપ્ટેમ્બરે સુનાવણી કરશે. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બી. વી. નાગરત્નાની ખંડપીઠ આ સુનાવણી કરશે.
તેમણે જણાવ્યું હતું કે તેમને છોડવામાં આવ્યા એ બાબતને પડકારવામાં આવ્યો હતો. કેન્દ્રએ ગુજરાત સરકારને રિમિશન પોલિસી હેઠળ કેદીઓને છોડી મૂકવાની મંજૂરી આપી હતી. આ દોષીઓ છેલ્લાં 15 વર્ષથી વધુ જેલમાં સજા ભોગવ્યા પછી મુક્ત થયા હતા. નીચલી કોર્ટે આ દોષીઓને ઉંમર કેદની સજા સંભળાવી હતી.
25 ઓગસ્ટે બિલ્કિસ બાનો કેસમાં દોષીઓને છોડી મૂકવામાં આવ્યાની સામે અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી હતી. ગુજરાત સરકારે બિલ્કિસ બાનો મામલે બધા 11 દોષીઓને બંધારણના અધિકાર હેઠળ તરત છોડી મૂક્યા હતા. રાજ્ય સરકારના આ નિર્ણયની ઘણી ટીકા થઈ હતી.
27 ઓગસ્ટે બિલ્કિસના દોષીઓને છોડી મૂકવામાં આવ્યાની વિરુદ્ધ 134 ભૂતપૂર્વ અધિકારીઓએ CJIને એક ખુલ્લો પત્ર લખ્યો હતો અને આ મામલે ન્યાયની માગ કરી હતી. તેમણે 11 લોકોને સમય પહેલાં છોડી મૂકવાના નિર્ણયને ભયાનક ખોટો નિર્ણય ગણાવ્યો હતો.