નવી દિલ્હી – દેશની કેન્દ્રીય તપાસ એજન્સી – સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)માં ટોચના સ્તરે વ્યાપી ગયેલા ખળભળાટે આજે નવો વળાંક લીધો છે. એજન્સીમાં હોદ્દાઓમાં નંબર-2 સ્થાન ધરાવતા સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ લાંચના આરોપોના સંદર્ભમાં તપાસ એજન્સીએ આજે તેના પોતાના જ ડીએસપી દેવેન્દર કુમારની ધરપકડ કરી છે.
સીબીઆઈના અમલદારોએ દિલ્હીસ્થિત એજન્સીના મુખ્યાલયમાં દરોડો પાડ્યો હતો જેમાં એમને અસ્થાના વિરુદ્ધ પુરાવા મળ્યા હોવાનું કહેવાય છે.
હજી ગઈ કાલે જ સીબીઆઈ એજન્સીએ અસ્થાના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી અને આજે ડેપ્યૂટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ દેવેન્દર કુમારની ધરપકડ કરી છે. અસ્થાના વિશે એવું કહેવાય છે કે મોઈન કુરૈશી નામના એક માંસ નિકાસકારનો એક કેસ સેટલ કરવા માટે એની પાસેથી બે કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. કુરૈશી સામે મની લોન્ડરિંગ તથા ભ્રષ્ટાચારના અનેક કેસો નોંધાયા છે.
સીબીઆઈનો આરોપ છે કે લાંચ 2017ના ડિસેંબર અને 2018ના ઓક્ટોબર વચ્ચે ઓછામાં ઓછા પાંચ વખત આપવામાં આવી હતી.
મોઈન કુરૈશી કેસમાં દેવેન્દર કુમાર તપાસનીશ અધિકારી રહ્યા છે. રેકોર્ડ ખોટી રીતે નોંધવાના આરોપસર કુમારની ધરપકડ કરવામાં આવી છે.
કુરેશી કેસમાં સતિષ સના નામના એક સાક્ષીદારનું નિવેદન કુમારે ઉપજાવી કાઢ્યું હોવાનો આરોપ છે. એવું દર્શાવાયું છે કે કુમારે સતિષનું નિવેદન દિલ્હીમાં 2018ની 26 સપ્ટેંબરે નોંધ્યું હતું, પણ તપાસમાં એવું માલૂમ પડ્યું હતું કે એ દિવસે સતિષ દિલ્હીમાં નહીં, પણ હૈદરાબાદમાં હતો અને 2018ની 1 ઓક્ટોબરે તે તપાસમાં જોડાયો હતો.