વિપક્ષની તૈયારી: વસુંધરા અને રમણ સિંહને બે મહિલાઓ આપશે પડકાર

0
1333

નવી દિલ્હી- રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારી શરુ કરી દીધી છે. બીજેપી શાસિત આ બન્ને રાજ્યોમાં જ્યાં શાસક પક્ષ તેની સત્તા જાળવવાની ચિંતા કરે છે, ત્યારે વિરોધ પક્ષ આ બન્ને રાજ્યોમાં તેના મુખ્યપ્રધાનો સામે બે શક્તિશાળી મહિલાઓને ઉમેદવાર બનાવીને ચૂંટણીને રસપ્રદ બનાવવા પ્રયાસ કરી રહ્યું છે.વાત કરીએ રાજસ્થાનની. તો અહીં રાજ્યના મુખ્યપ્રધાન વસુંધરા રાજે પર ચૂંટણીમાં સતત બીજી વખત જીત મેળવવાનું દબાણ છે અને ચૂંટણી જીતવા તેઓ સતત પ્રયાસ પણ કરી રહ્યાં છે. જાકે આ વખતે રાજ્યમાં ભાજપને કોંગ્રેસ તરફથી મોટો પડકાર મળી રહ્યો છે.

પ્રદેશના સીએમ  વસુંધરા રાજે સામે રાજસ્થાન કેડરના ચર્ચિત IPS પંકજ ચૌધરીના બીજા પત્ની મુકુલ ચૌધરીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. મુકુલ ચૌધરીએ જણાવ્યું કે, તેઓ મુખ્યપ્રધાન સામે ઝાલરાપાટન વિસ્તારથી ચૂંટણી લડશે.

છત્તીસગઢની વાત કરીએ તો, અહીં ડોક્ટર રમન સિંહ છેલ્લા 15 વર્ષથી સત્તામાં છે અને આ વખતે પણ ચૂંટણી જીતવાનો તેમનો પ્રયાસ રહેશે. અને તેના માટે તેઓ સતત પ્રયાસમાં રોકાયેલા છે. જ્યારે રાજ્યમાં મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે સીએમની પાર્ટી બીજેપી અને ખુદ સીએમ રમન સિંહને હરાવવા પણ પ્રયાસ શરુ કર્યા છે.

મુખ્યપ્રધાન રમન સિંહને પડકાર આપવા કોંગ્રેસ પાર્ટીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ભત્રીજી અને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા કરુણા શુક્લને તૈયાર કર્યા છે. તેમને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવવા માટે સ્ક્રિનિંગ કમિટિએ તેમની ભલામણ હાઈ કમાન્ડને કરી છે.