નવી દિલ્હીઃ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે જે ટ્રેનો કેન્સલ કરાઈ હતી તેનું રિફંડ યાત્રીઓ હવે ઓગસ્ટ સુધીમાં મેળવી શકશે. વીઆઈપી ટ્રેન લખનઉ મેલ અને શતાબ્દી એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનોને 12 ઓગસ્ટ સુધી દોડાવવામાં નહીં આવે.રેલવેએ 19 માર્ચથી પોતાની અનેક ટ્રેનોનું સંચાલન રદ્દ કરી દીધું હતું. માત્ર પ્રવાસી મજૂરોને તેમના વતન પહોંચાડવા માટે એક મેથી સ્પેશિયલ શ્રમિક ટ્રેનો શરુ કરવામાં આવી છે. ત્યારબાદ સામાન્ય યાત્રીઓ માટે 12 મેથી નવી દિલ્હીથી રાજધાની સ્પેશિયલ ટ્રેનોની શરુઆત કરવામાં આવી હતી. તો રેલવેએ એક જૂનથી લખનઉ મેલ સહિત કેટલીક મહત્વની નિયમિત ટ્રેનોનું સંચાલન એક સ્પેશિયલ ટ્રેનના રુપમાં શરુ કરી દીધું હતું. રેલવે બોર્ડે હવે કરેલી નવી જાહેરાત મુજબ, એક જૂલાઈથી 12 ઓગસ્ટ સુધી નિયમિત ટાઈમ ટેબલમાં જોડાયેલી ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે અને યાત્રીઓને એમની ટિકિટોનું પૂર્ણ રિફંડ આપવાનો આદેશ પણ આપ્યા છે.
12 ઓગસ્ટ સુધી માત્ર સ્પેશિયલ ટ્રેનો જ દોડાવવામાં આવશે. રેલવે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, તમામ પેસેન્જર મેલ, એક્સપ્રેસ અને ઉપનગરીય ટ્રેનોની નિયમિત સેવા 12 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી છે. 1 જૂલાઈથી 12 ઓગસ્ટ દરમિયાન યાત્રા કરવા માટે જે ટ્રેન ટિકિટો બુક કરાવવામાં આવી છે તે તમામ રદ્દ કરવામાં આવી છે અને એ રકમ યાત્રીઓને પાછી આપવામાં આવશે.
રેલવેએ કહ્યું કે, તમામ વિશેષ રાજધાની, મેલ અને એક્સપ્રેસ ટ્રેનો કે જેનું સંચાલન 12 મે અને 1 જૂનથી શરુ કરવામાં આવ્યું છે તેનું સંચાલન પૂર્વવત્ રહેશે. આ પહેલા 15 મેના રોજ એક નોટિફિકેશનમાં રેલવેએ 30 જૂન 2020 સુધી યાત્રા માટે નિર્ધારિત તમામ ટ્રેનોને રદ્દ કરી દીધી હતી અને ટિકિટનું ભાડુ પાછું આપવાનો નિર્ણય કર્યો હતો. મંગળવારના રોજ રેલવેએ 14 એપ્રિલના રોજ અથવા તે પહેલા નિયમિત ટ્રેનો માટે બુક કરવામાં આવેલી તમામ ટિકિટોને રદ્દ કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, તે જલ્દી જ એ ટિકિટોનું રીફંડ આપશે.