નવી દિલ્હી- યમુના એક્સપ્રેસ વે પર આજે સવારે એક ખાનગી બસે રોડની સાઈડમાં ઉભેલા ટ્રકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસ પ્રવાસીઓથી ભરેલી હતી. આ અકસ્માતમાં 8 લોકોનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અંદાજે 25 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ઘાયલ પ્રવાસીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
આ ઘટના અંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે ઘેરા શોકની લાગણી પ્રદર્શીત કરી હતી અને ગૌતમ બુદ્ધ નગર પોલિસ અને પ્રશાસનના પ્રમુખને નિર્દેશ આપ્યો છે કે, પીડિતોને તાત્કાલિક સહાયતા પૂરી પાડવામાં આવે.
પોલીસે તેમના એક નિવેદનમાં કહ્યું છે કે, બસ આગરાથી નોઈડા તરફ જઈ રહી હતી. સવારે લગભગ 5 વાગ્યાના સુમારે ફૂલ સ્પીડમાં જતી લક્ઝરી બસ ધડાકાભેર ટ્રકમાં ઘુસી ગઈ હતી. યમુના એક્સપ્રેસ પર રબૂપુરાની આસપાસ આ દુર્ઘટના ઘટી હતી. દુર્ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા છે. હાલ મૃતકોની ઓળખ મેળવવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનાને પગલે યમુના એક્સપ્રેસ-વે પર લાંબા સમય સુધી વાહનવ્યવહાર બંધ રહ્યો હતો.