નવી દિલ્હીઃ ભારતીય હવાઈ દળનું એક મિગ-21 યુદ્ધવિમાન ગઈ કાલે રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં નિયમિત પ્રશિક્ષણ દરમિયાન આકાશમાં ઉડ્ડયન કરી રહ્યું હતું ત્યારે અચાનક સળગી ઉઠ્યું હતું. સળગતા વિમાનનો કાટમાળ નીચે આવેલા બહલોલ નગર ગામના એક ઘર પર પડ્યો હતો, જેને કારણે ત્રણ નાગરિકનું મૃત્યુ થયું હતું અને બીજાં ઘણાયને ઈજા થઈ હતી. મૃતક ત્રણેય મહિલા હતી. દુર્ઘટના સવારે 9.45 વાગ્યાની આસપાસ થઈ હતી.
વિમાનના પાઈલટને નજીવી ઈજા થઈ છે. તે વિમાનમાંથી બહાર નીકળવામાં સફળ થયો હતો. હવાઈ દળે આ દુર્ઘટનાના કારણની તપાસ શરૂ કરાવી છે. નાગરિકોનાં થયેલા મૃત્યુ બદલ હવાઈ દળે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.
