નવી દિલ્હીઃ બજેટ રજૂ કરવા માટે એક મહિનાથી પણ ઓછો સમય રહી ગયો છે. જોકે આ વચગાળાનું બજેટ હશે, એટલે બજેટના એલાન અંગે જોશ અને અપેક્ષાઓ વધુ નહીં હોય, કેમ કે આ વર્ષે સામાન્ય ચૂંટણીઓ થવાની છે, એટલે સરકારના હાથ બંધાયેલા છે અને કોઈ મોટા ફેરફારોનું એલાન પણ ના કરી શકે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા મોદી સરકારના આ કાર્યકાળનું છેલ્લું બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે. આ બજેટમાં સરકાર મધ્યમ વર્ગને આકર્ષવા માટે નવી યોજનાથી માંડીને ટેક્સમાં છૂટ જેવી ઘોષણાઓ કરી શકે છે. સરકાર અફોર્ડેબલ હોમ બાયર્સને પ્રોત્સાહન આપવા માટે સરકાર હોમ લોનના વ્યાજ પર મળનારા ટેક્સની છૂટને વધારે એવી શક્યતા છે. કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (CREDAI)એ માગ કરી હતી કે હોમ લોનના વ્યાજની રિપેમેન્ટની રૂ. બે લાખની છૂટને વધારીને રૂ. પાંચ લાખ કરવામાં આવે. હાલમાં વ્યાજદરો ઊંચા છે, જેથી હોમ બાયર્સને ટેક્સમાં છૂટ આપીને પ્રોત્સાહિત કરી શકાય છે.
વળી, સરકાર આ વખતે બજેટમાં રૂ. 10 લાખ સુધીની સેલેરીવાળાઓને ખુશખબરી આપી શકે છે. સરકાર ઇન્કમ ટેક્સ સ્લેબમાં થોડો ફેરફાર કરે એવી શક્યતા છે. વળી, એક અહેવાલ અનુસાર રૂ. 50 લાખ અને એનાથી નીચેની કિંમતની સંપત્તિઓનું વેચાણ વર્ષ 2022ના 1,17,131 એકમથી ઘટીને વર્ષ 2023માં 97,983 એકમ કહી ગયા છે. વાજબી ઘરોનો હિસ્સો 37 ટકાથી ઘટીને 30 ટકા રહી ગયો છે.