નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાની રસી લગાવવાનું કામ 16 જાન્યુઆરીથી શરૂ થવાનું છે. દેશમાં અત્યાર સુધી બે રસીને સરકારે મંજૂરી આપી છે. જેમાં ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ-ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનકાની કોવિશિલ્ડ છે. ભારતની પાસે અનેક દેશોથી રસી માટે ઓર્ડર આવ્યા છે, પણ હાલ સરકારે રસીને વિદેશમાં નિકાસ કરવાનો કોઈ નિર્ણય લીધો નથી. બ્રાઝિલે કહ્યું છે કે દેશમાં રસી લાવવા માટે તેમણે સ્પેશિયલ એરક્રાફ્ટ તૈયાર છે અને એને ભારત મોકલવામાં આવ્યું છે.
બ્રાઝિલના વિદેશપ્રધાને કહ્યું હતું કે અજુલ એરલાઇન્સની એરક્રાફ્ટ એરબસ A330neo મુંબઈ જવા માટે તૈયાર છે. આ એરક્રાફ્ટમાં રસી લાવવા માટે સ્પેશિયલ કન્ટેનર છે. તેમણે દાવો કર્યો હતો કરે સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ રસીના 20 લાખ ડોઝ લઈને સીધા બ્રાઝિલ પહોંચશે. જોકે ભારતે હાલમાં રસી વિદેશમાં મોકલવાનો નિર્ણય કર્યો નથી. જોકે બ્રાઝિલિયન સરકાર અને પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે આ રસી ‘ખાસ કિંમતે’ મેળવવા કરાર થયો છે. ભારતે પ્રત્યુત્તરમાં બ્રાઝિલને કહ્યું છે કે ભારત કોવિડ-19ની રસીના ઉત્પાદન કાર્યક્રમ અને નિકાસ કરવાની સમીક્ષા કરી રહ્યું છે. અન્ય દેશોને રસીનો સપ્લાય કરવો એ ઉતાવળ હશે, એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલોવસરોએ વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે મોદીને કોવિશિલ્ડ રસીના 20 લાખ ડોઝ આપવાનું કહ્યું હતું. બ્રાઝિલમાં કોરોનાની રસીને લઈને વિપક્ષ તેમના પર દબાણ કરી રહ્યો છે. બ્રાઝિલમાં કોરોના સંક્રમિત લોકોના મોતની સંખ્યા 2,00,498એ પહોંચી છે. બ્રાઝિલ કોરોના કેસ મામલે અમેરિકા પછઠી બીજા ક્રમાંકે છે.