40+ લોકોને બુસ્ટર ડોઝઃ સરકારી પેનલની ભલામણ

નવી દિલ્હીઃ નવા વેરિયેન્ટ ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોના વાઇરસ જિનોમિક વિવિધતાની દેખરેખ રાખતી 28 લેબ્સના કોન્સોર્શિયમે કેન્દ્ર સરકારને 40 વર્ષ અને એનાથી વધુ ઉંમરના લોકો માટે બુસ્ટર ડોઝ પર વિચાર કરવાની ભલામણ કરી છે. કોરોનાના નવા વેરિયેન્ટ આ સમય વિશ્વ માટે ચિંતાનું કારણ બની રહ્યું છે. દેશમાં અત્યાર સુધી ઓમિક્રોન વેરિયેન્ટના બે કેસ રિપોર્ટ નોંધાયા છે. INSACOGએ સાપ્તાહિક બુલેટિનમાં કહ્યું છે કે બધા બિનરસીકરણ લોકોને રસી અને 40 વર્ષ અને એનાથી ઉપરની વ્યક્તિઓને  બુસ્ટર ડોઝ લગાવવા પર વિચાર કરી શકાય છે. સૌથી પહેલાં વધુ જોખમ અને હાઇ એક્સપોઝરવાળા લોકોને પ્રાથમિકતા આપવી જોઈએ.

INSACOGએ કહ્યું હતું કે આવશ્યક જાહેર આરોગ્ય ઉપાયોને સક્ષમ કરવા માટે આ પ્રકારના વેરિયેન્ટ ઓમિક્રોનની હાજરી માલૂમ કરવા માટે જિનોમિક દેખરેખ મહત્ત્વપૂર્ણ હશે.  

દેશના કોવિડ ટાસ્ક ફોર્સના ચેરમેન ડો.એન. કે. અરોડાએ કહ્યું છે કે સરકાર ગંભીર રોગીઓ અને નબળી ઇમ્યુનિટીવાળા લોકો માટે રસીના બુસ્ટર ડોઝ પર નવી પોલિસી લાવી રહી છે. નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ (NTAG) આ વિશેની પોલિસીને બે સપ્તાહમાં તૈયાર કરશે. NTAG દેશનાં 44 કરોડ બાળકોના રસીકરણ માટે નવી પોલિસી લાવવા જઈ રહ્યું છે.