આર્યનની જામીન અરજીની સુનાવણી બુધવાર સુધી મુલતવી

મુંબઈઃ લક્ઝરી જહાજ પરથી ડ્રગ્સ મળવાના કેસમાં પકડાયેલા આર્યન ખાને નોંધાવેલી જામીન અરજી પરની સુનાવણી મુંબઈ હાઈકોર્ટે આજે મુલતવી રાખી છે અને આવતીકાલે બપોરે 2.30 વાગ્યે સુનાવણી ફરી શરૂ કરાવશે.

બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના 23 વર્ષીય પુત્ર આર્યન ઉપરાંત અરબાઝ મરચંટ અને મુનમુન ધામેચાએ પણ જામીન અરજી નોંધાવી છે. તેની ઉપર પણ ન્યાયમૂર્તિ નીતિન સામ્બ્રેની બેન્ચ આવતીકાલે નિર્ણય લેશે.

દેશના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ આર્યન ખાન વતી કોર્ટમાં દલીલ રજૂ કરી હતી. એમણે કહ્યું કે આર્યનને તો ખાસ મહેમાન તરીકે ક્રુઝ જહાજ પર આમંત્રિત કરવામાં આવ્યો હતો. પાર્ટીના આયોજક જેવા પ્રતીક ગાબાએ આર્યન અને અરબાઝને આમંત્રિત કર્યા હતા.