નવી દિલ્હી: બનારસ હિન્દુ યૂનિવર્સિટી (BHU)ના સંસ્કૃત વિભાગમાં મુસ્લિમ શિક્ષક ફિરોઝ ખાનની નિયુક્તિ મામલે વિવાદ પૂરો થવાનું નામ જ નથી લેતો. વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા છે અને છેલ્લા 12 દિવસથી શૈક્ષણિક પ્રવૃતિ સંપૂર્ણ રીતે ઠપ છે. વિદ્યાર્થીઓની આ વલણ સામે હવે બોલીવુડમાંથી ટિપ્પણીઓ આવવાની શરુ થઈ ગઈ છે. બોલીવુડ અભિનેતા અને પૂર્વ ભાજપા સાંસદ પરેશ રાવલએ આ મામલે પોતાનો મંતવ્ય આપ્યો છે. રાવલે ટ્વીટ કર્યું છે જે સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહ્યું છે. પરેશ રાવલના આ ટ્વીટ પર લોકો પણ કમેન્ટ્સ કરી રહ્યા છે.
પરેશ રાવલે તેમના પહેલા ટ્વીટમાં લખ્યું કે, ‘પ્રોફેસર ફિરોઝ ખાનના વિરોધથી હું સ્તબ્ધ છું. કોઈ ભાષાને ધર્મ સાથે શું મતલબ હોય છે. પ્રોફેસર ફિરોઝ ખાને તેમની માસ્ટર ડીગ્રી અને પીએચડી સંસ્કૃતમાં કરી છે તો એમાં આશ્ચર્ય શેનું છે. તેમનો વિરોધ કરવો મુર્ખતા છે.’ આ ટ્વીટના થોડા સમય પછી પરેશ રાવલે અન્ય એક ટ્વીટ કર્યું.
પરેશ રાવલે તેમના બીજા ટ્વીટમાં લખ્યું કે, ‘ આ રીતો જોઈએ તો મહાન ગાયક મોહમ્મદ રફીએ કોઈ ભજન ન ગાવા જોઈતા હતા અને નૌશાદ સાહબે એ ભજનને કમ્પોઝ પણ નહતા કરવા જોઈતા. પરેશ રાવલ તેમના બેધડક અંદાજ માટે જાણીતા છે અને તેમણે એ જ અંદાજમાં પ્રોફેસર ફિરોઝ ખાનનું સમર્થન કર્યું. પરેશ રાવલના આ ટ્વીટ ખુબજ વાયરલ થઈ રહ્યા છે.
આ અગાઉ બનારસ હિન્દૂ યૂનિવર્સિટીએ સંસ્કૃત વિભાગમાં મુસ્લિમ અધ્યાપકની નિયુક્તિનો બચાવ કરતા કહ્યું કે, ધર્મ, જાતિ, સમુદાય અથવા લિંગ ભેદભાવ રાખ્યા વગર દરેક વ્યક્તિને સમાન અવસર ઉપલબ્ધ કરાવવા માટે યૂનિવર્સિટી પ્રતિબદ્ધ છે. બીએચયુનું આ સ્પષ્ટીકરણ એવા સમયે આવ્યું જ્યારે આરએસએસની વિદ્યાર્થી શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ સંસ્કૃત સાહિત્ય વિભાગમાં ફિરોઝ ખાનની મદદનીશ અધ્યાપક પર નિયુક્તિનો વિરોધ કર્યો હતો. બીએસયુ એ તેમના એક નિવેદનમાં કહ્યું કે, પંસદગી સમિતિએ નીતિ નિયમો અનુસાર જ સર્વસંમતિથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરી છે.