મોદી સરકારની નીતિઓના વિરોધમાં RSSના સંગઠનનું જ હલ્લા બોલ

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) સાથે સંકળાયેલ મજૂર યૂનિયન ‘ભારતીય મજૂર સંઘ’ (BMS) એ નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલવાની તૈયારી કરી છે. બીએમએસ એ મોદી સરકારના સાર્વજનિક ક્ષેત્રના એકમો (PSU) ના ખાનગીકરણ વિરુદ્ધ હલ્લા બોલનું મન બનાવી લીધુ છે. પીએસયુને લઈને સરકારની વર્તમાન નીતિઓનો વિરોધ કરવા માટે યૂનિયન સાથે જોડાયેલા કર્મચારીઓને દિલ્હીમાં બોલાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર રાજધાની દિલ્હીમાં સરકાર વિરુદ્ધ અગામી સમયમાં ઉઠાવવામાં આવનારા પગલાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.

મહત્વનું છે કે, આરએસએસ સાથે સંકળાયેલા મજૂર યૂનિયનના આ તેવર એવા સમયે સામે આવ્યા છે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ અને રેલવેમંત્રી પીયુષ ગોયલે હાલમાં જ દિલ્હી સ્થિત બીએમએસ મુખ્યાલયની મુલાકાત લીધી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર અનેક મુદ્દાઓ પર બીએમએસને રાજી કરવા માટે ભાજપે ઘણા પ્રયાસો કર્યા. જોકે, યૂનિયનનું કહેવું છે કે, શાહની મુખ્યાલય ખાતેની મુલાકાત એક શિષ્ટાચાર મુલાકાત હતી. જ્યાં તેમણે કર્મચારીઓ સાથે ચા પીધી હતી.

સમાચાર એજન્સી ANI સાથે વાતચીતમાં બીએમએસના મહાસચિવ વ્રિજેશ ઉપાધ્યાયે કહ્યું કે, આજે જરૂર છે કે, ઈન્દિરા ગાંધીના સમયે લેવામાં આવેલા ખરાબ નિર્ણયોને ખત્મ કરવામાં આવે. પરંતુ વર્તમાન સરકાર ઈન્દિરા ગાંધીની નીતિઓને જ આજે પણ અનુસરી રહી છે, જેમાં જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ અને વિનિવેશનો સમાવેશ થાય છે.

સુત્રોના જણાવ્યા અનુસાર પીએસયુ સેક્ટર અર્થવ્યવસ્થાનો મજબૂત પાયો છે. જેથી અમારો પ્રયત્ન છે કે, અમે પીએસયુ સાથે જોડાયેલા લોકોની સાથે એક એક્શન પ્લાન તૈયાર કરી રહ્યા છીએ. આને લઈને બીએમએસ માર્કેટ એસોસિયેશન અને ઈન્ડસ્ટ્રીઝ સેક્ટર સાથે જોડાયેલા અન્ય યૂનિયનો ને પણ સાથે લઈને વાતચીત કરી રહ્યું છે.