નવી દિલ્હીઃ કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે સરકાર દેશભરમાં સજાગતા અભિયાન ચલાવી રહી છે, ત્યારે લોકો પણ આ રોગ સામે લડવા માટે સાવધાનીરૂપે બધાં ઘરના સભ્યો માટે માસ્ક અને સેનેટાઇઝરની ખરીદી કરી રહ્યા છે. પરંતુ બજારમાં માસ્ક અને સેનિટાઇઝરની કૃત્રિમ અછત ઊભી કરીને કેટલાય વેપારીઓ બજાર કિંમતથી ઘણી ઊંચી કિંમતે આ વસ્તુઓ વેચી રહ્યા છે. જેથી કેન્દ્ર સરકારે દેશમાં વેચાતા સેનિટાઇઝર અને માસ્કની છૂટક કિંમતો નક્કી કરી દીધી છે. કન્ઝ્યુમર બાબતોના પ્રધાન રામ વિલાસ પાસવાને ટવીટ કરીને આ માહિતી આપી હતી. વળી, તેમણે એ પણ કહ્યું હતું કે સરકારે જે કિંમતો નક્કી કરી છે એ 30 જૂન, 2020 સુધી અમલમાં રહેશે.
માસ્ક અને સેનેસટાઇઝરની માગ વધતાં બ્લેક માર્કેટિંગ
દેશભરમાં કોરોના વાઇરસ પ્રસરતાં દેશમાં સેનિટાઇઝર અને માસ્કની માગમાં અચાનક ઉછાલો આવ્યો હતો. જેથી કેટલાય વેપારીઓએ એનું બ્લેક માર્કેટિંગ શરૂ કર્યું છે અથવા તો એની ખૂબ ઊંચી કિંમત વસૂલી રહ્યા છે. જે સેનિટાઇઝર પહેલાં રૂ. 70થી રૂ. 80માં વેચાતા હતા, એ હવે રૂ. 250ની કિંમતે વેચાઈ રહ્યા છે. બજારમાં કેટલાંય નકલી ઉત્પાદનો પણ આવી ગયાં છે. આ જ રીતે રૂ. 50માં વેચાતા માસ્કની કિંમત વધીને રૂ. 200થી રૂ. 300 સુધી પહોંચી ગઈ છે.
કેન્દ્રીય પ્રધાન રામ વિલાસનું ટ્વીટ
કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને ત્રણ ટ્વીટ કર્યા હતા. જેમાં લખ્યું હતું કે કોરોના વાઇરસ #COVID19ના પ્રસરવાથી બજારમાં વિભિન્ન ફેસ માસ્ક, એના ઉત્પાદનમાં લાગતી સામગ્રી અને હેન્ડ સેનિટાઇઝરની કિંમતોમાં ભારે વધારો જોવા મળ્યો છે. સરકારે એને ગંભીરતાથી લઈને એની કિંમતો નક્કી કરી દીધી છે.
સરકારે નક્કી કરેલી કિંમત
હેન્ડ સેનિટાઇઝરની 200ML બોટલની છૂટક કિંમત રૂ. 100થી વધુ નહીં હોય. અન્ય આકારની બોટલોની કિંમત પણ આ જ રીતે રહેશે. વળી, આ કિંમતો 30 જૂન, 2020 સુધી દેશઆખામાં લાગુ રહેશે. જ્યારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ બે અને ત્રણ પ્લાય માસ્કમાં ઉપયોગમાં લેવાતા ફેબ્રિકની કિંમત પણ એ જ રહેશે, જે 12 ફેબ્રુઆરી, 2020એ હતી. બે પ્લાય માસ્કની છૂટક કિંમત રૂ. 8 અને ત્રણ પ્લાયની માસ્કની કિંમત રૂ. 10થી વધુ નહીં હોય.
આવશ્યક ઉત્પાદનોના લિસ્ટમાં સામેલ
પાછલા દિવસોમાં કન્ઝ્યુમર બાબતોના મંત્રાલયે માસ્ક અનમે હેન્ડ સેનિટાઇઝરને જરૂર ઉત્પાદકોના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. કોરોના વાઇરસના પ્રસરવાને કારણે આ ઉત્પાદનોના બ્લેક માર્કેટિંગને કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું. એસેન્સિયલ કોમોડિટી એક્ટ હેઠળ રાજ્ય સરકારોને હવે આ ઉત્પાદનોની કિંમતો નક્કી કરવાનો અધિકાર છે. હવે જો કોઈ વિક્રેતા આને મહત્તમ કિંમતથી વધુ કિંમતે વેચશે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.