નવી દિલ્હી: કેવું લાગે જો ડાયબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવા રોગો કોઈ ભાષા બોલવાથી મટી જતા હોય તો? આવું જ એક નિવેદન ભાજપના સાંસદ ગણેશ સિંહે આપ્યું છે, જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યું છે. મધ્યપ્રદેશના સતનાથી ભાજપા સાંસદ ગણેશ સિંહનો દાવો છે કે, સંસ્કૃત ભાષા બોલવાથી વ્યક્તિ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવા રોગોનો શિકાર થતા બચી જાય છે.
ગણેશ સિંહે સંસ્કૃત યુનિવર્સિટી પર લાવવામાં આવી રહેલા બિલ અંગે વાત કરતા અમેરિકાની સંસ્થાના રિસર્ચનો હવાલો પણ આપ્યો. અમેરિકન સ્પેસ એજન્સી નાસાનો હવાલો આપતા તેમણે એમ પણ કહ્યું કે, જો કમ્પ્યુટર પ્રોગ્રામિંગ સંસ્કૃતમાં હોય તે એ શાનદાર કામ કરશે. વિશ્વભરની 97 ટકા ભાષાઓ જેમાં ઈસ્લામિક ભાષા પણ સામેલ છે તે તમામનું મૂળ સંસ્કૃત જ છે.
જોકે, ગણેશ સિંહનું આ નિવેદન ટ્વીટર પર જોરદાર ટ્રોલ થઈ રહ્યું છે. મહત્વનું છે કે, કેન્દ્રીય મંત્રી પ્રતાપચંદ્ર સારંગી પણ સદનમાં ચર્ચા દરમ્યાન અવારનવાર સંસ્કૃત ભાષામાં જ બોલે છે. તે કહે છે કે, સંસ્કૃત ઘણી સરળ ભાષા છે અને આ ભાષાનું એક વાક્ય અનેક રીતે બોલી શકાય છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, અંગ્રેજીના અનેક શબ્દો સંસ્કૃત ભાષા પરથી લેવામાં આવ્યો છે. તેઓ કહે છે કે, પ્રાચીન ભાષાઓના પ્રચાર પ્રસારથી અન્ય ભાષાઓ જરા પણ પ્રભાવિત નહીં થાય.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભાજપના અનેક નેતા આ પ્રકારના નિવેદનો આપી ચૂક્યા છે. પશ્ચિમ બંગાળ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે જાણકારી આપી હતી કે, ભારતીય ગાયોના દૂધમાં સોનું હોય છે. ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબે કહ્યું હતું કે, મહાભારત કાળામાં પણ ઈન્ટરનેટ અને સેટેલાઈટનો ઉપયોગ કરવામાં આવતો હતો. કુરુક્ષેત્રના યુદ્ધ દરમ્યાન સંજયે હસ્તિનાપુરમાં બેસીને ધૃતરાષ્ટ્રને યુદ્ધની તમામ માહિતી આપી હતી. સંજય એટલો દૂર રહીને પણ આંખોથી કેવી રીતે જોઈ શકતો હશે. એનો અર્થ કે એ સમયે પણ ટેકનોલોજી, ઈન્ટરનેટ અને સેટેલાઈટ હતા.