લખીમપુર ખીરીમાં ભાજપના વિધાનસભ્યની મારપીટ, વિડિયો વાઇરલ

લખીમપુર ખીરીઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં અર્બન કોઓપરેટિવ બેન્કના ડેલિગેટ્સની ચૂંટણીના નામાંકનમાં ભારે બબાલ થઈ હતી. ભૂતપૂર્વ સભાપત પુષ્પા સિંહના પતિ અને બાર એસોસિયેશનના પ્રમુખ અવધેશ સિંહે ભાજપના ધારાસભ્ય યોગેશ વર્માને પોલીસની સામે લાફો ઝીંકી દીધો હતો. ભાજપ વિધાનસભ્યની મારપીટનો વિડિયો સોશિયલ મિડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

આ થપ્પડ મારવાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.  પ્રાપ્ત માહિતી અનુસાર લખીમપુર ખીરીમાં અર્બન કોઓપરેટિવ બેન્કના ડેલિગેટ્સના નામાંકન દરમ્યાન બે પક્ષો આપસમાં લડી પડ્યા હતા. બંને પક્ષો વચ્ચે તૂતૂ-મૈંમૈં પછી વિવાદ થઈ ગયો હતો. એ દરમ્યાન અવધેશ સિંહે ભાજપના વિધાનસભ્યને માર માર્યો હતો.

બાર એસોસિયેશનના પ્રમુખ અવધેશ સિંહનાં પત્ની પુષ્પા સિંહ આ ચૂંટણીમાં ઉમેદવાર છે. ભાજપના ધારાસભ્ય યોગેશ વર્માએ ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે એક વિધાનસભ્યનો ઝભ્ભો ફાડી નાખવામાં આવ્યો હતો અને મારપીટ કરવામાં આવી હતી.

ધારાસભ્ય અને બાર એસોસિયેશનના પ્રમુખ સામસામે આવી ગયા હતા. ત્યાર બાદ ધારાસભ્યના સમર્થકોએ અવધેશ પર હુમલો પણ કર્યો હતો. આ ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પોલીસે દરમિયાનગીરી કરીને બન્નેને અલગ કરતાં ધારાસભ્યને દૂર લઈ ગઈ હતી, પરંતુ બીજા જૂથના લોકોએ ધારાસભ્યને ઘેરી લીધા હતા અને મારપીટ શરૂ કરી હતી. પોલીસે ભારે મુશ્કેલીથી ધારાસભ્યને બચાવ્યા હતા.

શું છે મામલો?

આ ઘટના બાદ મિડિયા સાથે વાત કરતાં ધારાસભ્ય યોગેશ વર્માએ કહ્યું હતું કે આજે અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી છે, ભાજપના કાર્યકરો નામાંકન લેવા આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. પહેલા ટ્રેડ યુનિયનના નેતા રાજુ અગ્રવાલને માર મારવામાં આવ્યો અને તેમનું પેમ્ફલેટ ફાડી નાખવામાં આવ્યું. જ્યારે હું તેમને મળવા આવ્યો ત્યારે વકીલ અવધેશ સિંહે પણ મને લાફો ઝીંકી દીધો હતો.