લખનઉઃ ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીની તૈયારી ભાજપે શરૂ કરી દીધી છે. ભાજપની મંછા રાજ્યમાં ફરીથી સત્તા હાંસલ કરવાની છે અને એટલે પાર્ટી ‘ગુજરાત ફોર્મ્યુલા’ને અપનાવવામાં લાગી છે. ભાજપ જે પ્રકારે ગુજરાતમાં દરેક વખતે એન્ટિ-ઇનકમબન્સીને નજરઅંદાજ કરવા જૂના વિધાનસભ્યોની ટિકિટ કાપીને નવા ચહેરા પર દાવ લગાવતો આવ્યો છે. એ જ રીતે UPમાં ભાજપ ‘ગુજરાત ફોર્મ્યુલા’ હેઠળ 100થી વધુ મોજૂદ વિધાનસભ્યોનું પત્તું કાપીને નવા ચહેરા પર દાવ લગાવે એવી શક્યતા છે.
આ દાવથી ભાજપ લાંબા સમયથી ગુજરાતમાં સત્તા પર છે. 2017માં દિલ્હીના MCDની ચૂંટણીમાં ભાજપે બધા કોર્પોરેટરોની ટિકિટ કાપી હતી અને પક્ષની નવા ચહેરા પર દાવ લગાવવાની ફોર્મ્યુલા સફળ રહી હતી. આટલું જ નહીં, 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે લોકસભા ચૂંટણીમાં 2014ની તુલનાએ કેટલાય સંસદસભ્યોની ટિકિટ કાપી હતી. એ ચૂંટણીમાં ભાજપે 2014ની સરખામણીએ 90 સંસદસભ્યોની ટિકિટ કાપી હતી. પાંચ સંસદસભ્યોએ તો પાર્ટી છોડી હતી તો કેટલાક 75થી વધુ ઉંમરના સંસદસભ્યોની પણ ટિકિટ કાપવામાં આવી હતી.
હવે UPમાં ભાજપ ફરીથી સત્તારૂઢ થવાના પ્રયાસ કરી રહ્યો છે અને એટલે ‘ગુજરાત ફોર્મ્યુલા’ અપનાવે એવી શક્યતા છે. જો એવું થશે તે આગામી વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કેટલાય હાલના વિધાનસભ્યોની ટિકિટ કપાવાની શક્યતા છે.
UPમાં આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. ભાજપે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 403માંથી 312 સીટો પર જીત હાંસલ કરી હતી.