રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ 8 એપ્રિલ, 2025ના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને વિધાનસભા દ્વારા પસાર બિલો પર નિર્ણય લેવા સમયમર્યાદા નક્કી કરવાની વાત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ આ નિર્ણયને બંધારણના મૂલ્યો અને વ્યવસ્થાની વિરુદ્ધ ગણાવી, બંધારણીય અતિક્રમણનો આરોપ લગાવ્યો. તેમણે બંધારણના અનુચ્છેદ 143(1) હેઠળ સુપ્રીમ કોર્ટને 14 બંધારણીય પ્રશ્નો મોકલી, મંતવ્ય માગ્યું છે.
રાષ્ટ્રપતિના મુખ્ય પ્રશ્નો
- જ્યારે રાજ્યપાલ સમક્ષ બિલ આવે છે, ત્યારે તેમની પાસે કયા બંધારણીય વિકલ્પો હોય છે?
- શું રાજ્યપાલે મંત્રીપરિષદની સલાહ માનવી ફરજિયાત છે?
- શું રાજ્યપાલનો વિવેકાધિકાર વાજબી છે?
- શું અનુચ્છેદ 361 રાજ્યપાલના નિર્ણયોની ન્યાયિક સમીક્ષા પર પ્રતિબંધ મૂકે છે?
- શું ન્યાયિક આદેશો દ્વારા રાજ્યપાલ માટે સમયમર્યાદા નક્કી થઈ શકે?
- શું રાષ્ટ્રપતિનો અનુચ્છેદ 201 હેઠળ વિવેકાધિકાર વાજબી છે?
- શું રાષ્ટ્રપતિ માટે ન્યાયિક આદેશો દ્વારા સમયમર્યાદા લાદી શકાય?
- શું રાષ્ટ્રપતિએ બિલ સંદર્ભે સુપ્રીમ કોર્ટની સલાહ લેવી જરૂરી છે?
- શું બિલ કાયદો બન્યા પહેલાં તેના વિષય પર ન્યાયિક નિર્ણય લઈ શકાય?
- શું અનુચ્છેદ 142 હેઠળ રાષ્ટ્રપતિ/રાજ્યપાલની સત્તાઓ બદલી શકાય?
- શું રાજ્યપાલની સંમતિ વિના વિધાનસભાનો કાયદો લાગુ થઈ શકે?
- શું બંધારણીય પ્રશ્નો માટે પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ જરૂરી છે?
- શું અનુચ્છેદ 142ની સત્તાઓ બંધારણની જોગવાઈઓથી વિપરીત આદેશો સુધી વિસ્તરે છે?
- શું અનુચ્છેદ 131 હેઠળ કેન્દ્ર-રાજ્ય વિવાદો પર સુપ્રીમ કોર્ટનો અધિકાર મર્યાદિત છે?
વિવાદનું કારણ
સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો કે રાજ્યપાલ પાસે બિલ લાંબા સમય સુધી પેન્ડિંગ હોય તો તેને ‘મંજૂર’ ગણવું. રાષ્ટ્રપતિ મૂર્મુએ આને બંધારણના વિવેકાધિકાર પર હસ્તક્ષેપ ગણાવી, સુપ્રીમ કોર્ટની સલાહ માગી છે.
