હૈદરાબાદઃ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે એક નિવેદન આપતા જણાવ્યું છે કે તેલંગાણામાં બીજેપીની સરકાર બનશે તો, હું આપને વિશ્વાસ અપાવું છું કે ઓવૈસીને બીલકુલ તેવી જ રીતે ભાગવું પડશે કે જેવી રીતે નિઝામને હૈદરાબાદ છોડીને ભાગવું પડ્યું હતું. તેલંગાણાના વિકરાબાદ, તંદૂર વિધાનસભામાં બોલતા યોગી આદિત્યનાથે જણાવ્યું કે જે લોકો આઈએસઆઈએસ સાથે સંબંધો વધારવાના પ્રયત્નો કરે છે તે લોકો દેશની સુરક્ષાને સંકટમાં મુકી રહ્યા છે.
વધુ વાત કરતા યોગી આદિત્યનાથે જણાવ્યું કે કોંગ્રેસ, ટીડીપી અને ટીઆરએસ નક્સલવાદનું સમર્થન કરે છે. ત્યારે હવે તમારે નક્કી કરવાનું છે કે તમે કોનું સમર્થન કરો છો. યોગીએ આરોપ લગાવતા જણાવ્યું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાને લઈને કોંગ્રેસ જ વચ્ચે રોડા નાંખી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી અને ટીઆરએસ મુસ્લિમ તુષ્ટીકરણ કરી રહ્યા છે.
સંગારેડ્ડીમાં ભાજપની ચૂંટણી સભાને સંબોધિત કરતા યોગીએ જણાવ્યું કે આપણે કોંગ્રેસ પાર્ટીની મનોવૃત્તિને સમજવાની કોશીષ કરવી પડશે. ત્યારબાદ યોગીએ જણાવ્યું કે બીજેપી બધાને સુરક્ષા આપશે પરંતુ કોઈને પણ અરાજકતા ફેલાવવાની મંજૂરી નહી આપે. તેમણે કોંગ્રેસ અને ટીઆરએસ પર મુસ્લિમ તુષ્ટિકરણ કરવાનો અને ધાર્મિક આધાર પર તેમના માટે યોજનાઓ બનાવવાનો આરોપ લગાવ્યો છે. યોગીએ જણાવ્યું કે નીતિઓ બનાવતા સમયે ભાજપ ક્યારેય પણ જાતિ, અને ધર્મ વચ્ચે ભેદભાવ નથી કરતી. વડાપ્રધાન મોદીના શાસનમાં વિતેલા ગત વર્ષોમાં ભાજપે “સહુનો સાથ સહુનો વિકાસ” મિશન સાથે કાર્યક્રમ ચલાવ્યા છે.
ત્યારે આ મામલે પ્રતિક્રિયા આપતા ઓવૈસીએ યોગી આદિત્યનાથને સવાલ પૂછ્યો કે શું દેશ માત્ર તમારો છે મારો નથી? ઓવૈસીએ જણાવ્યું કે શું બીજેપી વિરુદ્ધ બોલવાથી, મોદી વિરુદ્ધ બોલવાથી, તેમની નીતિઓની ટીકા કરવાથી અને આરએસએસ વિરુદ્ધ બોલવા પર અને યોગી વિરુદ્ધ બોલવા પર દેશમાંથી ભગાડી દેવામાં આવશે? ઓવૈસીએ જણાવ્યું કે હું તેમને સવાલ પૂછવા માંગુ છું કે આ ભગાડવાની વાત તમે ક્યારથી કરી રહ્યા છો?
ઓવૈસીએ યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા જણાવ્યું કે તમે તારીખ તો જાણતા નથી. હિસ્ટ્રીમાં ઝીરો છો તમે. ઓવૈસીએ વધુ કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જો તમને વાંચતા નથી આવડતું તો વાંચનારાઓ પૂછી લ્યો. અને જો તમે વાંચ્યું હોત તો તમને તે વાતની ખબર હોત કે નિઝામ હૈદરાબાદ છોડીને નહોતા ભાગ્યા, તેમને રાજપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ચીન સાથે યુદ્ધ થયું તો નિઝામે પોતાનું સોનું વેચી દીધું હતું.
ઓવૈસીએ પ્રતિક્રિયા આપતા વધુમાં જણાવ્યું કે આમના ક્ષેત્રમાં દર વર્ષે 150 બાળકો ઈન્સેફ્લાઈટિસથી મરે છે. બાળકો મરી રહ્યા છે યોગી, તમારા ગોરખપુરના દવાખાનામાં તો ઓક્સીજન પણ નથી હોતો. તમને ત્યાંની ચિંતા નથી અને તમે અહીંયા આવી રહ્યા છે અને અહીંયા આવીને નફરતની દિવાલ ઉભી કરવાની વાત કરી રહ્યા છો.