બેંગ્લુરુ- બેંગ્લુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડિયા શો દરમિયાન ફરી એર વખત મોટી દુરઘટના સામે આવી છે. મળતી જાણકારી મુજબ પાર્કિંગ વિસ્તાર નજીક પડેલા ઘાસમાં આગ લાગી હતી, ત્યારબાદ આગ વધુ ફેલાતા પાર્કિંગમાં પડેલી ગાડીઓમાં લાગી હતી. ગાડીઓમાં આગ લાગવાને કારણે ચોતરફ અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાર્કિંગમાં પાર્ક કરેલી અંદાજે 100 જેટલી કાર આગની ચપેટમાં આવી ગઈ હતી. જોકે, હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે.
આજે લાગેલી આગમાં ઘણી બધી ગાડીઓ એક સાથે સળગી ઉઠી હતી. ભીષણ આગને પગલે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાતા એર શો નિહાળવા આવનારા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, સુકા ઘાસને પગલે આગ લાગી હતી.
તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ એરો ઈન્ડિયા શોના ઉદઘાટન પહેલા એક મોટી દુરઘટના ઘટી હતી. હરિયાણાના હિસારના રહેવાસી સાહિલ ગાંધી શોના ઉદઘાટનથી એક દિવસ પહેલા 19 ફેબ્રુઆરીએ પ્રેક્ટિસ દરમિયાન અન્ય વિમાન સાથે અથડાયુ હતું. આ ઘટનામાં બંન્ને પાયલોટના જીવ તો બચી ગયા હતા, પરંતુ સાહિલના વિમાનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થવાના કારણે તે વિમાનમાંથી બહાર ન નિકળી શકવાને કારણે આ ઘટનામાં તેમનું મોત થયું હતું.
સાહિલ ગાંધીને અનોખા અંદાજમાં શ્રદ્ધાંજલિ
એર શોની શરૂઆતમાં ભારતીય વાયુ સેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમે તેમના દિવંગત સાથી સાહિલ ગાંધીને અનોખા અંદાજમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાત સૂર્ય કિરણ વિમાનો ધરાવતી આ ટીમે આકાશમાં ઈનકમ્પ્લીટ ડાયમંડ ફોર્મેશનની આકૃતિ બનાવીને તેમના સાથીને યાદ કર્યા હતાં.