નવી દિલ્હીઃ રાજપથ પર 26 જાન્યુઆરીના રોજ 71 મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યા બાદ હવે લોકો બીટિંગ રીટ્રિટ સેરેમનીની રાહ જોવે છે. મોટાભાગના લોકો આ સેરેમની વિશે જાણતા નથી. ત્યારે આવો આપણે જાણીએ કે આખરે આ સેરેમની શું છે? 26 જાન્યુઆરીની પરેડમાં દુનિયાને પોતાની તાકાત બતાવ્યા બાદ 29 જાન્યુઆરીના રોજ થનારી બીટિંગ રિટ્રીટ સેરેમનીની રાહ જોવાય છે. રાયસીના રોડ પર રાષ્ટ્રપતિ ભવન સામે આનું પ્રદર્શન કરવામાં આવે છે. 26 જાન્યુઆરીની સવારે 10 વાગ્યે નેશનલ સેલ્યૂટ સાથે શરુ થયેલી આ પરેડ આશરે 90 મીનિટ સુધી ચાલી. આમાં એમઆઈ-17 અને રુદ્ર આર્મ્ડ હેલિકોપ્ટરોએ ફ્લાયપાસ્ટ કર્યું. આમાં અલગ-અલગ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને સરકારી વિભાગોના 22 જેટલા ટેબ્લો ઈન્ડિયા ગેટ સામેથી પસાર થયા, બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરતા શાળાના બાળકો અને સીઆરપીએફની ઓલ વુમન ટીમે પોતાનું પ્રદર્શન બતાવ્યું. આ પરેડને જોવા માટે, હજારોની સંખ્યામાં લોકો રાજપથની બંન્ને બાજુ બેસે છે.
બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીને મુખ્ય રુપે ગણતંત્ર દિવસનો સમાપન સમારોહ કહેવામાં આવે છે. આ સેનાનું પોતાના બેરેકમાં પાછા ફરવાનું પ્રતિક પણ માનવામાં આવે છે. બીટિંગ રિટ્રીટ સેરેમની ગણતંત્ર દિવસની નવી પરંપરા નથી પરંતુ આ અંગ્રેજોના સમયથી આયોજિત થતી આવી છે. બીટિંગ ધ રિટ્રીટ દિલ્હીના વિજય ચોક પર આયોજીત કરવામાં આવે છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવનને કલરફૂલ લાઈટ્સથી સજાવવામાં આવે છે. આ નજારો જોવા જેવો હોય છે.
બીટિંગ રિટ્રીટ સેરેમનીનું આયોજન આજે રોજ સાંજે સૂર્યાસ્ત સમયે કરવામાં આવશે. આ દરમિયાન તમામ ખાસ લોકો આમાં ભાગ લે છે. આ દરમિયાન વિજય ચોકને ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનની સજાવટ અને બીટિંગ રિટ્રીટનો ભાગ બનવા માટે હજારોની સંખ્યામાં લોકો અહીંયા પહોંચે છે.
26 જાન્યુઆરીના રોજ પરેડમાં રાજપથ પર સુંદર સંગીતની ધુન સાથે ચાલાનારા ઉંટ ત્રણ દિવસ બાદ એટલે કે 29 જાન્યુઆરીના રોજ થનારી બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં ભાગ લે છે. આ દરમિયાન આ ઉંટ રાયસીના હિલ પર ઉત્તર અને દક્ષિણ બ્લોક પર પણ ઉભેલા દેખાય છે. દુનિયાની આ એકમાત્ર ઉંટોની ટીમ છે કે જે ન માત્ર બેંડ સાથે રાજપથ પર પ્રદર્શન કરે છે પરંતુ સરહદની પણ સુરક્ષા કરે છે.
પહેલીવાર 1976 માં 90 ઉંટની એક ટીમ ગણતંત્ર દિવસનો ભાગ બની હતી, જેમાં 54 જેટલા સૈનિકો અને શેષ બેંડના જવાનો હતા. બીએસએફ એકમાત્ર એવી ફોર્સ છે કે જેની પાસે ઓપરેશન અને સમારોહ બંન્ને માટે સજ્જ થયેલા અને ખૂબ કુશળ ઉંટોની એક ટીમ છે. શાહી અને ભવ્ય અંદાજમાં સજ્જ આ ઉંટોને સરહદની સુરક્ષા માટે તેનાત કરવામાં આવે છે અને પ્રથમવાર ઉંટોની આ ટીમ વર્ષ 1976 માં આ રાષ્ટ્રીય પર્વની ઝાંખીનો ભાગ બની હતી.
પરેડ અને બીટિંગ રિટ્રીટમાં શામિલ કરવામાં આવનારા ઉંટોનો શ્રૃંગાર દુલ્હનની જેમ કરવામાં આવે છે. પગથી લઈને ગળું અને પીઠના ભાગ સુધી આ લોકોને સજાવવામાં આવે છે. બાદમાં આ ઉંટો પર બીએસએફના જવાન પણ શાહી અંદાજમાં અને મૂછે તાવ દેતા બેસે છે.
આ ઉંટોને અલગ અલગ સમારોહમાં પ્રસ્તુત કરવામાં આવે છે એટલે આ લોકો પાસે ઉંટોનો શ્રૃંગાર કરવા માટે મોટો ખજાનો હોય છે. અલગ-અલગ પ્રસંગો માટે આમની પાસે આશરે 65 જેટલા ડ્રેસ છે. વિદેશી ડિપ્લોમેટ્સ આવવા પર આ લોકો એ પ્રકારનો ડ્રેસ પહેરે છે અને ગણતંત્ર દિવસ જેવા સમારોહ માટે અલગ ડ્રેસ પહેરે છે.
આ ઉંટ પર સવારી કરનારા જવાનો પણ ખાસ હોય છે. આ લોકોની ઉંચાઈ 6 ફૂટ અથવા તેનાથી વધારે હોય છે. બીએસએફ આવા જવાનોની પસંદ આ પ્રકારના પ્રસંગો માટે કરે છે. આ જવાન આ પ્રકારની પરેડના સમયે દેખાય છે.
આ ઉંટ બટાલિયનની એક અન્ય ખાસ વાત પણ છે. આ ઉંટો પર બીએસએફના જે જવાન સવાર થાય છે, તેમની મુછો પણ સામાન્ય નથી હોતી. તમામની મુછો ઉપરની તરફ ઉઠેલી હોય છે જે આ લોકોની એક ખાસ ઓળખ કહી શકાય.
શું હોય છે ખાસ?
- બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીના મુખ્ય અતિથિ રાષ્ટ્રપતિ હોય છે.
- આનું મુખ્ય આકર્ષણ ત્રણેય સેનાઓ એક સાથે મળીને સામુહિક બેંડનો કાર્યક્રમ પ્રસ્તુત કરવાનો હોય છે. પરેડ પણ જોવા લાયક હોય છે.
- આ કાર્યક્રમમાં ડ્રમર ગાંધીજીને પ્રિય હતી એવી એક ખાસ ધુન વગાડે છે.
- ત્યારબાદ રિટ્રીટટનું બ્યુંગલ વાગે છે. આ દરમિયાન બેંડ માસ્ટર રાષ્ટ્રપતિની નજીક જાય છે અને બેંડ પાછુ લઈ જવા માટેની મંજૂરી માંગે છે. ત્યારબાદ માનવામાં આવે છે કે સમાપન સમારોહ પૂર્ણ થઈ ગયો છે.
- બેંડ માર્ચ પાછી લઈ જતા સમયે, “સારે જહાં સે અચ્છા” ગીતની ધુન સાથે કાર્યક્રમનું સમાપન થાય છે.
- અંતમાં રાષ્ટ્રગાન ગાવામાં આવે છે અને આ પ્રકારે ગણતંત્ર દિવસના આયોજનનું ઔપચારિક સમાપન થાય છે.