છેલ્લાં 10 વર્ષોમાં બેન્કો દ્વારા 12 લાખ કરોડની માંડવાળ

નવી દિલ્હીઃ છેલ્લાં 10 વર્ષોમાં બેન્કોના રૂ. 12 લાખ કરોડથી વધુ નાણાં ડૂબી ગયાં છે. બેન્કોએ FY15થી FY24ની વચ્ચે રૂ. 12.3 લાખ કરોડની લોન રાઇટ-ઓફ કરી છે, એમાંથી 53 ટકા એટલે કે આશરે રૂ. 6.5 લાખ કરોડ છેલ્લાં પાંચ વર્ષો (FY20-FY24) સરકારી બેન્કોએ રાઇટ-ઓફ કરી છે, સરકારે સંસદમાં આ માહિતી આપી હતી.

નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારી બેન્કોની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) 30 સપ્ટેમ્બર, 2024એ રૂ. 3,16,331 કરોડ હતી, જ્યારે ખાનગી બેન્કોની NPA રૂ. 1,34,339 કરોડ હતી.

PSU બેન્કની ગ્રોસ NPAની કુલ આઉટસ્ટેન્ડિંગ લોનના 3.01 ટકા હતી. ખાનગી બેન્કોના મામલે આ ડેટા 1.85 ટકા હતી. આ રાઇટ ઓફ 2015માં એસેટ ક્વોલિટી રિવ્યુ કર્યા પછી કરવામાં આવ્યા હતા. FY24માં માત્ર રૂ. 1.7 લાખ કરોડરાઇટ-ઓફ થયા હતા. આ કુલ બેન્ક ક્રેડિટના (આશરે 165 લાખ કરોડ) માત્ર એક ટકો હતા.

બેન્કિંગ સેક્ટરમાં અગ્રણી SBIનો આશરે 20 ટકા બજારહિસ્સો છે. SBIએ 10 વર્ષમાં રૂ. બે લાખ કરોડની લોનો રાઇટ-ઓફ કરી છે. PNBએ રૂ. 94,702 કરોડની લોન રાઇટ-ઓફ કરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારી બેન્કોએ રૂ. 42,000 કરોડની લોન રાઇટ-ઓફ કરી છે.

તેમણે કહ્યું હતું કે RBIની ગાઇડલાઇન્સ અને બોર્ડની નીતિ મુજબ બેન્ક ચાર વર્ષ પછી NPA રાઇટ-ઓફ કરી દે છે. જોકે એનો અર્થ એ નથી કે લોન લેનારા લોકોને લોનના પૈસા ચૂકવવાથી છૂટ મળી જાય છે. બેન્ક સતત ગ્રાહકોથી લોનની વસૂલાતના પ્રયાસ જારી રાખે છે.