બાબા રામદેવઃ ભગવાન રામના વંશજ છે મુસલમાન, સાથે મળીને બનાવીશું મંદિર…

પ્રયાગરાજઃ યોગગુરુ બાબા રામદેવે જમ્મુકાશ્મીર સાથે જોડાયેલા આર્ટિકલ 370 પર મોદી સરકારના મોટા નિર્ણયનું સ્વાગત કર્યું છે. આ સાથે જ તેમણે જલદી જ રામ મંદિર નિર્મણ થવાની વાત કહી, બાબા રામદેવ મઠ બાગંભરી ગાદીમાં અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્રગિરીને મળવા પહોંચ્યાં હતાં. બાબા રામદેવે સુષ્મા સ્વરાજને યાદ કરતાં કહ્યું કે તેમના વ્યક્તિત્વ, ચરિત્ર અને નેતૃત્વને ભારત હંમેશાં યાદ કરશે. મારી સાથે તેઓ સંસ્કૃતમાં વાત કરતાં હતાં અને મારું અને તેમનું ઘર નજીક હતું એટલે મને ભાઈ કહેતાં હતાં. આ દરમિયાન બાબા રામદેવે મુસ્લિમ સમુદાયને લઈને કેટલીક ટિપ્પણીઓ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર બાબા રામદેવે કહ્યું કે રામ મંદિરનું સમાધાન મધ્યસ્થતાથી આવવાનું નથી, હવે આમાં કોર્ટે જ સાહસ કરવું પડશે. પંચાયતોથી સમાધાન થવાનું હોત તો ક્યારનું થઈ ગયું હોત. કોર્ટથી નિર્ણય ન થાય તો કાયદા દ્વારા મંદિર બનાવવું પડશે. રામ મંદિર તો બનીને જ રહેશે.

નરેન્દ્ર ગિરી સાથે આત્મીય પ્રેમને વ્યક્ત કરવા બાગંભરી મંદિર આવેલા રામદેવે કહ્યું કે હનુમાનજીના દર્શન કરીને હું અભિભૂત થયો છું. મઝહબથી મોટા પોતાના પૂર્વજ હોય છે એટલા માટે મુસલમાનોને ઉભા થઈને સમર્થન કરવું જોઈએ. આપણું અને મુસ્લિમોનું ડીએનએ એક છે, આ મક્કામદીનાથી નથી આવ્યાં. પૂર્વજ આપણાં એક છે, રામ છે, કૃષ્ણ છે, શિવ છે.

ત્યારબાદ તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ 370 પર મોટો નિર્ણય લીધો. બીજા ચરણમાં પાક અધિકૃત કાશ્મીર અને અક્સાઈ ચીનનું લક્ષ્ય પણ પૂર્ણ થશે. આપણે આઝાદીનું જશ્ન તો નથી જોયું પરંતુ કલમ 370 હટાવવાના જશ્નને જરુર જોયું છે. આ આપણા માટે સૌભાગ્ય છે. આપને જણાવી દઈએ કે સરકારે મોટો નિર્ણય લેતાં આર્ટિકલ 370ના અધિકાંશ પ્રાવધાનોને ખતમ કરીને જમ્મુકાશ્મીર અને લદ્દાખને અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા છે.