જમ્મુ-કશ્મીર, લડાખનાં લોકોનું વર્તમાન સુધરશે, ભવિષ્ય સુરક્ષિત થશેઃ પીએમ મોદી

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાતે દેશવાસીઓને કરેલા સંબોધનમાં કહ્યું કે જમ્મુ-કશ્મીર અને લડાખને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવી દેવાનો એમની સરકારનો નિર્ણય ઐતિહાસિક છે. જમ્મુ-કશ્મીર રાજ્યના આ રીતે બે ભાગ કરી દઈને સરકારે ઐતિહાસિક વ્યવસ્થા કરી છે.

આજે વર્ષ 2019ના આઠમા મહિનાની આઠમી તારીખે રાતે આઠ વાગ્યે મોદીએ કહ્યું કે જમ્મુ-કશ્મીર અને લડાખનાં લોકો અનેક અધિકારોથી વંચિત હતાં, પરંતુ હવે આપણા સૌના પ્રયાસોથી એમની એ સમસ્યા દૂર થઈ ગઈ છે.

સરદાર વલ્લભભાઈ પટેલ, બાબાસાહેબ આંબેડકર, ડો. શ્યામાપ્રસાદ મુખરજી અને અટલબિહારી વાજપેયીનું સપનું સાકાર થયું છે. હવે જમ્મુ-કશ્મીર અને લડાખમાં એક નવા યુગની શરૂઆત થઈ છે.

હવે આ બંને પ્રદેશનાં લોકોને દેશના અન્ય તમામ લોકોની જેમ જ અધિકારો, હક તથા દાયિત્વ સમાન રૂપે મળશે.

મોદીએ કહ્યું કે, કલમ-370 વિશે એવું મનાતું હતું કે કંઈ બદલાશે જ નહીં. જમ્મુ-કશ્મીર, લડાખના લોકોની સમસ્યાઓ વિશે કોઈ ચર્ચા જ કરાતી નહોતી. જમ્મુ-કશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની 370 અને 35A કલમોએ રાજ્યને અલગતાવાદ, આતંકવાદ, પરિવારવાદ, ભ્રષ્ટાચાર કંઈ જ આપ્યું નથી. આ બંને કલમની નકારાત્મક અસરોમાંથી હવે જમ્મુ-કશ્મીર મુક્ત થશે.

મોદીએ એવી જાહેરાત પણ કરી છે કે થોડા જ સમયમાં જમ્મુ-કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે. એમણે વધુમાં કહ્યું કે, જમ્મુ-કશ્મીર દુનિયાનું સૌથી મોટું ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનશે. લડાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો હોવાથી એનો વિકાસ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા રહેશે. લડાખ સોલર એનર્જીના ઉત્પાદનમાં દેશનું નેતૃત્ત્વ કરી શકે એમ છે.

કેટલાક લોકોની લાગણીને ભડકાવવા માટે પાકિસ્તાન દ્વારા આ બંને કલમનો ઉપયોગ એક શસ્ત્ર તરીકે કરવામાં આવતો હતો.

જમ્મુ-કશ્મીર તથા લડાખ પ્રદેશોમાં વિકાસ જે ગતિથી થવો જોઈતો હતો એ પ્રમાણે થયો નથી, જે માટે આ બંને વિસ્તાર હકદાર હતા. આ બંને કેન્દ્રશાસિત પ્રદેશોના સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળતા તમામ લાભ આપવામાં આવશે, સરકારી કાર્યાલયોમાં, લશ્કર તથા અર્ધલશ્કરી દળોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે.

જમ્મુ-કશ્મીર, લડાખમાં નવી વ્યવસ્થા આતંકવાદને ખતમ કરશે, એવો વિશ્વાસ મોદીએ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે જમ્મુ-કશ્મીરમાં ગવર્નરનું શાસન લાગુ કરાયું છે ત્યારથી સરકારી યોજનાઓ વધારે અસરકારક બની છે.

જમ્મુ અને કશ્મીર તથા લડાખમાં નવી સ્પોર્ટ્સ એકેડેમીઓ શરૂ કરાશે, સ્ટેડિયમો બાંધવામાં આવશે. આ બંને પ્રદેશોમાં વ્યાપક ખેલકૂદ ટેલેન્ટ છે, જેઓ એનું પ્રદર્શન વિશ્વસ્તરે કરી શકશે, એમ પણ વડા પ્રધાને કહ્યું છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]