નવી દિલ્હીઃ અયોધ્યા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. અરજીકર્તાઓએ માગ કરી હતી કે આ મામલે કોર્ટે મધ્યસ્થતાનો રસ્તો કાઢ્યો હતો, તે કામ નથી કરી રહ્યો. આના પર સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા પેનલ પાસેથી રિપોર્ટ માગ્યો છે. હવે 18 જુલાઈના સુધીમાં રિપોર્ટ સામે આવશે અને પછી એ વાત પર નિર્ણય આવશે કે આ મામલે રોજ સુનાવણી થશે કે નહીં.
સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટી પાસેથી આ મામલે રિપોર્ટ માગ્યો છે. હવે આ મામલાની સુનાવણી 25 જુલાઈના રોજ થશે. પેનલને આ રિપોર્ટ આવતા ગુરુવાર સુધી સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો પેનલ કહે છે કે મધ્યસ્થતા કારગર સાબિત નથી થતી, તો 25 જુલાઈ બાદ ઓપન કોર્ટમાં રોજ આની સુનાવણી થશે. એટલે કે આ મામલે મધ્યસ્થતા ચાલુ રહેશે કે નહીં તેનો નિર્ણય 18 જુલાઈના રોજ થઈ જશે.
હિંદૂ પક્ષ દ્વારા વકીલ રંજીત કુમારે કહ્યું કે 1950 થી આ મામલો ચાલી રહ્યો છે પરંતુ હજી સુધી આ મામલે કોઈ નિર્ણય આવ્યો નથી. મધ્યસ્થતા કારગર સાબિત નથી થઈ રહી અને એટલા માટે જ કોર્ટને તુરંત ત જ નિર્ણય સંભળાવી દેવો જોઈએ. પક્ષકારે કહ્યું કે જ્યારે આ મામલો શરુ થયો ત્યારે તેઓ જવાન હતા પરંતુ હવે ઉંમર 80 વર્ષને પાર કરી ગઈ છે. પરંતુ મામલાનું સમાધાન આવતું નથી.
આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, ડીવાય ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને અબ્દુલ નઝીરે કરી હતી. કોર્ટે કહ્યું છે કે અનુવાદમાં સમય લાગી રહ્યો હતો, એટલા માટે મધ્યસ્થતા પેનલે વધારે સમય માંગ્યો હતો. હવે અમે પેનલ પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
ગોપાલ સિંહ વિશારદે પોતાની અરજીમાં કહ્યું છે કે આ નિવાદને પતાવવા માટે આઠ માર્ચના રોજ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એફએમ કલીફુલ્લાની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની એક કમીટી બનાવવામાં આવી હતી પરંતુ આમા કોઈ પ્રગતિ નથી દેખાઈ રહી. વિશારદે અરજીમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટ મામલાની જલ્દી સુનાવણી કરે.