નવી દિલ્હી: સેવામાંથી નિવૃત થયેલા ભારતીય નૌકાદળના જંગી જહાજ આઈએનએસ વિરાટને ઈ-ઓક્શનમા કોઈ ખરીદદાર નથી મળી રહ્યા. નૌકાદળે પોતાના આ સૌથી જૂના એરક્રાફ્ટ કેરિયરને ભંગારમાં વેચવાનો નિર્ણય કર્યા બાદ આ ઈ-ઓક્શન કરાવ્યું હતુ. આ આઈકોનિક શિપને મેરીટાઈમ મ્યૂઝિયમ-કમ-મરીન એડવેન્ચર સેન્ટરમાં બદલવાની જૂની યોજના હેઠળ કોઈ ખરીદાર મળ્યો નહતો, ત્યારબાદ હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, આઈએનએસ વિરાટની ખરીદારી માટે અપેક્ષા અનુસાર બિડ મળી નહીં એટલા માટે નવા સ્તરેથી ઈ-ઓક્શન કરવામાં આવશે. ઈ-ઓક્શનમાં સામલ થવા માટે બિડ રકમ તરીકે 5.30 કરોડ રુપિયા એડવાન્સ જમા કરાવવાના હતા.
મહારાષ્ટ્ર સરકારે આઈએનએસ વિરાટને કોમર્શિયલ બિઝનેસ કોમ્પ્લેક્સમાં બદલવાનો પ્રસ્તાવ રક્ષા મંત્રાલયને નવેમ્બરમાં સોંપ્યો હતો. આ પ્રસ્તાવ મુજબ, વિરાટ મ્યૂઝિયમનું નિર્માણ સમુદ્રમાં કોંક્રીટનો પાયો નાંખીને કરવાનો હતો. જેના માટે સિંધુદુર્ગ જિલ્લાના નિવટી રોક્સથી લગભગ 7 સમુદ્રી માઈલના અંતર પર લોકેશન નક્કી કરવામાં આવ્યું હતું.
ધ ગ્રેટ ઓલ્ડ લેડી કહેવાતા આઈએનએસ વિરાટ લાંબા સમય સુધી ઈન્ડિયન નેવી અને રોયલ નેવીની સર્વીસમાં રહ્યું હતું. આઈએનએસ વિરાટ 6 માર્ચ, 2017ના રોજ સેવાનિવૃત્ત થયું હતું. આઈએનએસ વિરાટ ઉત્કૃષ્ઠ પ્રકારનું બીજુ વિમાનવાહક જહાજ છે, જેણે ભારતીય નૌસેનામાં 30 વર્ષ સુધી સેવા આપી હતી, અને આ પહેલા તેણે બ્રિટનના રોયલ નેવીમાં 25 વર્ષો સુધી સેવા આપી હતી. તેનો હેતુ વાક્ય ‘જલમેવ યસ્ય, બલમેવ તસ્ય’ હતું. જેનો મતલબ થાય છે કે, જેનો સમુદ્ર પર કબજો છે, તે જ સૌથી વધુ બળવાન છે.
એચએમએસ હર્મીસના નામથી ઓળખાતું જહાજ 1959થી બ્રિટનના રોયલ નેવીમાં સેવામાં હતું. 1980ના દાયકામાં ભારતીય નૌસેનાએ તેને સાડા છ કરોડ ડોલરમાં બ્રિટન પાસેથી ખરીદ્યું હતું અને 12 મે, 1987ના રોજ તેને ભારતીય નૌસેનામાં સામેલ કર્યું હતું. INS વિરાટનું નામ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. તે દુનિયાનું એકમાત્ર એવું જહાજ છે, જે વૃદ્ધ થયા બાદ પણ ઉપયોગમાં લેવામાં આવતુ હતું અને તેમ છતા સારી કન્ડીશનમાં હતું. પશ્ચિમી નૌસેના કમાન તરફથી કહેવામાં આવ્યું હતું કે, તે ઈતિહાસમાં સૌથી વધુ સમય સેવા આપનાર જહાજ છે.