ઈટાનગર- અરુણાચલના સિયાંગ જિલ્લામાં ભારતીય વાયુસેનાનું દુર્ઘટનાગ્રસ્ત માલવાહક વિમાન AN-32માં સવાર વાયુસેનાના તમામ 13 જવાનોના મોત નીપજ્યાં છે. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ વિમાનના કાટમાળ સુધી પહોંચેલી બચાવ દળની ટીમે આ વાતની પુષ્ટિ કરી છે. આ દુખદ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ જવાનોના પરિવારજનોને આ અંગેની સૂચના આપી દેવાઈ છે. બચાવ દળની 15 સભ્યોની એક ટીમ આજે સવારે વિમાનના કાટમાળ સુધી પહોંચી હતી. કાટમાળની તપાસમાં વિમાનમાં સવાર કોઈ પણ સભ્ય જીવિત નથી મળ્યો.જોકે વિમાનનું બ્લેકબોક્સ મળી આવ્યું છે.
બુધવારે 15 સભ્યોની એક ટીમને હેલિડ્રોપ કરીને વિમાનના કાટમાળ સુધી પહોંચાડી હતી. આ ટીમમાં એરફોર્સ, આર્મીના જવાન અને પર્વતારોહી પણ સામેલ હતાં. બચાવ દળની ટીમને પહેલાં એરલિફ્ટ કરીને એએન-32 વિમાનના કાટમાળ સુધી લઈ જવાઈ બાદમાં તેને હેલિડ્રોપ કરવામાં આવ્યાં. દુર્ઘટનાવાળો આ વિસ્તાર ઘણી ઉંચાઈ પર હોવાની સાથે ગાઢ જંગલોની વચ્ચે છે, આ સ્થિતિમાં વિમાનના કાટમાળ સુધી પહોંચવું સૌથી પડકારજનક કામ હતું.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જવાનોની યાદી
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 13 લોકોમાંથી 6 અધિકારી અને 7 એરમેન છે. આ યાદીમાં વિંગ કમાન્ડર જીએમ ચાર્લ્સ, સ્ક્વાડ્રન લીડર એચ વિનોદ, ફ્લાઈટ લેફ્ટનેન્ટ આર થાપા, ફ્લાઈટ લેફ્ટનેન્ટ એ તંવર, ફ્લાઈટ લેફ્ટનેન્ટ એસ મોહંતી અને ફ્લાઈટ લેફ્ટનેન્ટ એમકે ગર્ગ, વોરંટ ઑફિસર કેકે મિશ્રા, સાર્જન્ટ અનૂપ કુમાર, કૉર્પોરલ શેરિન, લીડ એરક્રાફ્ટ મેન એસકે સિંહ, લીડ એરક્રાફ્ટ મેન પંકજ, નોન લડાકુ કર્મચારી પુતલી અને રાજેશ કુમારનો સમાવેશ થાય છે.
ઈસ્ટ અરુણાચલપ્રદેશની ઘાટીઓ અત્યંત રહસ્યમય
બચાવ ટીમને દુર્ઘટનાસ્થળ સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો. ઈસ્ટ અરુણાચલ પ્રદેશના પહાડોને રહસ્યમય માનવામાં આવે છે અને અહીંથી પહેલા પણ આ પ્રકારે વિમાનોને કાટમાળ મળી આવ્યો છે, જે બીજી વિશ્વ યુદ્ધ દરમિયાન ગૂમ થઈ ગયા હતાં. જે જગ્યા પરથી એએન-32નો કાટમાળ મળ્યો છે તે અંદાજે 12 હજાર ફૂટની ઉંચાઈ પર સ્થિત છે.
અલગ અલગ રિસર્ચ મુજબ, આ વિસ્તારના આકાશમાં મોટા પ્રમાણમાં ટર્બુલેન્સ અને 100 માઈલ પ્રતિ કલાકની ઝડપે ફુંકાતો પવન અહીંની ઘાટીઓના સંપર્કમાં આવવાથી એવી સ્થિતિઓનું નિર્માણ કરે છે કે, અહીંથી ઉડાન ભરવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. અહીં ઘાટીઓ અને ગાઢ જંગલોમાં ગૂમ થયેલા કોઈ પણ વિમાનના કાટમાળને શોધવામાં ઘણી વખતે અનેક વર્ષો લાગી જાય છે.