નવી દિલ્હી: પ્રસિદ્ધ નૃત્યાંગના અને ગુજરાતનું ગૌરવ એવા પદ્મવિભૂષણ ડો. સોનલ માનસિંહ અને તેમના ભારતીય શાસ્ત્રીય નૃત્ય કેન્દ્ર કામાખ્યા ક્લાપીઠના કલાકાર વૃંદ દ્વારા હમણાં એક સાંજે દિલ્હીમાં ‘અપ્પા દીપો ભવ’ એટલે કે સ્વયં પ્રકાશ બનો શીર્ષકથી એક ભવ્ય નૃત્ય કાર્યક્રમ યોજાયો. રાજધાનીમાં ઇન્ડિયા હેબીટાટ સેન્ટર ખાતેના સ્ટેઇન ઓડિટોરિયમમાં ગીચોગીચ ભરેલા હોલમાં ગૌતમ બુદ્ધનું જીવન અને તેમના વિચારો નૃત્ય માધ્યમે ખૂબ જ કલાત્મક અને ભાવપૂર્ણ રીતે રજૂ કરાયું.
સિદ્ધાર્થથી ગૌતમ બુદ્ધ થવાની યાત્રાનું અત્યંત પ્રભાવશાળી સંગીત અને નૃત્યમાં તાદૃશ થયું જે નિહાળતાં સમસ્ત દર્શકગણ બુદ્ધના જીવનદર્શનમાં એકાકાર થઇ ગયો હતો. સોનલ માનસિંહે આ અવસરે સંદેશ પાઠવ્યો કે, કોઈ બીજાની આશામાં પડ્યા રહ્યા વિના પોતાનો પ્રકાશ યાને કે પ્રેરણા પોતે જ બનો. પોતે તો પ્રકાશિત રહો પરંતુ અન્ય માટે પણ એક પ્રકાશસ્તમ્ભ (દીવાદાંડી) સમાન ઝગમગતા રહો – ગૌતમ બુદ્ધના જીવનનો આ દિવ્ય સંદેશ ઉપસ્થિત પ્રેક્ષકગણે મંત્રમુગ્ધ થઈને ઝીલ્યો હતો.
ગુજરાતી સંસ્કૃતિની રાજધાનીમાં જીવંત પ્રતિમા એવા ડો. સોનલ માનસિંહ રાજ્યસભા સાંસદ છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રે નવી પેઢીના કલાકારોને તકો આપવી, પ્રોત્સાહન આપવું અને અવનવી નૃત્યરચનાઓ સાથે નિયમિત નવા ને તાજા કાર્યક્રમો આપવા તેમની આગવી ખાસિયત છે.
આ અવસરે ભૂતાનના રાજદૂત મેજર જનરલ વેત્સોપ નામગ્યેલ, પ્રસારભારતીના ચેરમેન ડો. સૂર્યપ્રકાશ, પ્રસિદ્ધ કલાકાર અને લોકસભા સાંસદ મનોજ તિવારી વગેરે મહાનુભાવો હાજર હતા.