ત્રાસવાદ-વિરોધી ખરડો લોકસભામાં પાસ થયો; વ્યક્તિઓને ત્રાસવાદીઓ ઘોષિત કરવાની જોગવાઈ

નવી દિલ્હી – ભારતમાં ત્રાસવાદી-વિરોધી કાયદાને વધારે કડક બનાવવા માટેનો ખરડો આજે લોકસભામાં પાસ કરી દેવામાં આવ્યો છે. વિરોધ પક્ષોની માગણી હતી કે આ ખરડાને સ્થાયી સમિતિને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવે, પણ એની અવગણના કરવામાં આવી હતી અને ખરડાને મૌખિક મતદાન દ્વારા આજે પાસ કરી દેવામાં આવ્યો છે.

આ સૂચિત કાયદો વ્યક્તિઓને ત્રાસવાદીઓ તરીકે ઘોષિત કરવાની એમની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવાની સરકાર સત્તા આપે છે.

અનલૉફુલ એક્ટિવિટીઝ (પ્રીવેન્શન) એક્ટ, 1967 કાયદામાં સુધારા દર્શાવતો ખરડો 278 સભ્યોની તરફેણ સાથે અને 8ના વિરોધ સાથે પાસ કરી દેવામાં આવ્યો છે.

આ ખરડા માટે કેન્દ્ર સરકારને રજૂ કરેલા પ્રસ્તાવોનો ગૃહ પ્રધાન અમિત શાહે જોરદાર રીતે બચાવ કર્યો હતો અને ત્યારબાદ એની પર થયેલા મતદાનમાં ખરડો પાસ કરી દેવાયો હતો.

અમિત શાહે એવી દલીલ કરી હતી કે ઈન્ડિયન મુજાહિદ્દીનના યાસીન ભટકલ જેવા ત્રાસવાદીને જો ઘણો અગાઉ ત્રાસવાદી ઘોષિત કરી દેવાયો હોત તો એને વહેલો પકડી શકાયો હોત.

ઈન્ડિયન મુજાહિદ્દીનનો ત્રાસવાદી યાસીન ભટકલ

ખરડા પરની ચર્ચાના અંતે શાહે એવું વચન આપ્યું હતું કે મોદી સરકાર આ કાયદાની જોગવાઈઓનો ક્યારેય દુરુપયોગ નહીં કરે.

આ ખરડા પર મતદાન કરાય એ પહેલા એને સ્થાયી સમિતિને મોકલવાની માગણીનો અમિત શાહે સ્વીકાર ન કરતાં એના વિરોધમાં કોંગ્રેસ તથા બીજા અનેક વિરોધ પક્ષોના સભ્યોએ ગૃહમાંથી સભાત્યાગ કર્યો હતો.

શાહે કહ્યું હતું કે આ કાયદો તો કોંગ્રેસે જ ઘડ્યો હતો અને એની જોગવાઈઓને બાદમાં વધારે કડક પણ બનાવી હતી. ભાજપની આગેવાની હેઠળની સરકારે તો એમાં માત્ર સુધારો જ કર્યો છે. કોંગ્રેસની સરકારો કરે એ સાચું અને ભાજપની સરકાર કરે એ ખોટું? એવો સવાલ શાહે કર્યો હતો.