મુંબઈઃ NCPનો આજે 25મો સ્થાપના દિવસ છે, ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ મોટો ફેરફાર કર્યો છે. NCPના વડા શરદ પવાર દ્વારા પુત્રી અને સાંસદ સુપ્રિયા સુળે અને પ્રફુલ્લ પટેલને નવા કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. NCPના વડાનો આ નિર્ણય અજિત પવાર માટે એક મોટા આંચકા સમાન છે.
હજી થોડા દિવસ પહેલાં શરદ પવારે પાર્ટીપ્રમુખની જવાબદારી છોડવાનું એલાન કર્યું હતું. જોકે કાર્યકર્તાઓની નારાજગી અને નેતાઓને મનાવ્યા પછી તેમણે તેમનો નિર્ણય પરત ખેંચ્યો હતો. હવે પાર્ટીમાં બે નવા કાર્યકારી અધ્યક્ષ બનાવીને હાઇ કમાન્ડે સૌને ચોંકાવ્યા છે.પાર્ટીના વડાએ કહ્યું હતું કે NCPને મજબૂત કરવા માટે આપણે બધાએ કામ કરવું પડશે. પ્રફુલ્લ પટેલ અને સુપ્રિયા સુળેને વર્કિંગ કમિટીના પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુળેને મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબ, મહિલા યુવા અને લોકસભા સમન્વયની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે પ્રફુલ્લ પટેલને કાર્યકારી અધ્યક્ષની સાથે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગોવાની જવાબદારી સોંપવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે બધા વિરોધ પક્ષોએ એકજૂટ રહેવું પડશે. મને વિશ્વાસ છે કે દેશની જનતા આપણો વિશ્વાસ કરશે.23 જૂને અમે બધા બિહારમાં મળીશું અને ચર્ચા કરીશું અને એક કાર્યક્રમ લઈને આવીશું. દેશભરમાં યાત્રા કરીશું અને એને લોકો સમક્ષ લઈ જઈશું. સુપ્રિયા સુળે NCPનાં નેતા અને બારામતીથી સાંસદ છે. તેઓ 2009થી આ બેઠક પર જીતતાં આવ્યાં છે. તેઓ NCP અધ્યક્ષ શરદ પવારનાં પુત્રી છે.