JK, હરિયાણામાં ચૂંટણીની તારીખોનું એલાનઃ ચાર ઓક્ટોએ પરિણામો

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની ચૂંટણી તારીખોનું એલાન કર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થશે, જ્યારે હરિયાણામાં એક જ તબક્કામાં મતદાન થવાનું છે. બંને રાજ્યોનાં ચૂંટણી પરિણામો ચોથી ઓક્ટોબરે જાહેર થશે.

જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે થશે અને ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઓક્ટોબરે થશે. હરિયાણામાં પહેલી ઓક્ટોબરે મતદાન થશે.આર્ટિકલ 370 દૂર થયા પછી જમ્મુ-કાશ્મીરમાં સૌપ્રથમ વાર વિધાનસભાની ચૂંટણી થશે. આ પહેલાં વર્ષ 2014માં છેલ્લી વાર વિધાનસભાની ચૂંટણી થઈ હતી. સીમાંકન પછી વિધાનસભાની સીટોની તસવીર બદલાઈ ગઈ છે. રાજ્યમાં હવે વિધાનસભાની સીટોની સંખ્યા 90 થઈ ગઈ છે. જમ્મુની વિધાનસભાની 43 અને કાશ્મીર ખીણની 47 સીટો છે. આ પહેલાં 2014માં વિધાનસભાની 87 સીટો પર ચૂંટણી થઈ હતી. જમ્મુ-કાશ્મીરમાં કુલ 11,838 પોલિંગ બૂથો હશે અને દરેક બૂથ પર સરેરાશ 735 મતદારો હશે.

 હરિયાણા વિધાનસભાની કુલ 90 સીટો છે. રાજ્યમાં 100થી વધુ વયના કુલ 10,000 મતદારો છે. હરિયાણામાં કુલ મતદારોની સંખ્યા બે કરોડ છે અને તેમના માટે 20,629 મતદાન મથકો બનાવવામાં આવશે.રાજ્યની વિધાનસભામાં ભાજપના 41 વિધાનસભ્યો છે, જ્યારે કોંગ્રેસના 29 અને JJPના 10 વિધાનસભ્યો છે. INLD અને HLP પાસે એક-એક સીટ છે. આ સિવાય વિધાનસભામાં પાંચ અપક્ષ વિધાનસભ્યો છે. રાજ્યમાં ભાજપ અને JJPએ મળીને સરકાર બનાવી હતી. છેલ્લાં 10 વર્ષોમાં રાજ્યમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે, પણ આ વખતે મુકાબલો કાંટાનો રહેવાની શક્યતા છે.