નવી દિલ્હી- ઓટો સેક્ટરની ટોપ કંપનીઓમાં જાણીતી બજાજ ઓટોના ચેરમેન રાહુલ બજાજે કેન્દ્રની મોદી સરકારની આર્થિક નીતિઓ પર નિશાન તાક્યું છે. આ સાથે જ તેમણે ઓટો ઈન્ડસ્ટ્રીની કથળતી જતી સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી. બજાજ ઓટોની સામાન્ય વાર્ષિક બેઠક (AGM)માં શેરઘારકોને સંબોધિત કરતા રાહુલ બજાજે કહ્યું કે, ઓટો સેક્ટર અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. કાર, કોમર્શિયલ વ્હિકલ્સ અને ટૂવ્હિલર્સ સેગ્મેન્ટની હાલત સારી નથી. માંગ પણ ઘટી રહી છે સામે કોઈ ખાનગી રોકણ પણ નથી મળી રહ્યું તો આ સ્થિતિમાં વિકાસ ક્યાંથી આવશે? શું વિકાસ સ્વર્ગમાંથી આવશે?
આ સાથે જ રાહુલ બજાજે ઈશારમાં જ સરકાર પર ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો છે. 81 વર્ષના બિજનેસમેન રાહુલ બજાજે કહ્યું કે, સરકાર કહે કે ન કહે પરંતુ આઈએમએફ અને વર્લ્ડ બેંકના આંકડા દર્શાવે છે કે, છેલ્લા ત્રણ ચાર વર્ષોમાં ગ્રોથમાં (વિકાસ) ઘટાડો થયો છે. અન્ય સરકારોની જેમ તે એમનો હસતો ચેહરો દેખાડવા માંગે છે, પરંતુ હક્કીકત કંઈક અલગ જ છે.
આ અગાઉ રાહુલ બજાજના પુત્ર અને કંપનીના એમડી રાજીવ બજાજે પણ ઈલેક્ટ્રિક વ્હિકલને લઈને મોદી સરકારની યોજનાઓ પર સવાલ ઉઠાવ્યા હતાં. સામાન્ય બજેટ રજૂ થયાં બાદ એક ઈન્ટરવ્યૂમાં રાજીવ બજાજે કહ્યું હતું કે, આ સરકાર રાતોરાત તમામ વસ્તુઓ બદલી નાંખવા માંગે છે. રાજીવ બજાજે સરકારને સવાલ પૂછયો હતો કે, જો ગ્રાહકો ઈલેક્ટ્રિક વ્હિકલ મોડલનો સ્વીકાર નહીં કરે તો, ઓટો ઈન્ડસ્ટ્રીઝનું શું થશે? શું અમે દુકાન બંધ કરીને ઘરે બેસી જઈએ?
તમને જણાવી દઈએ કે, ઓટો ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. ઓટો કંપનીઓના સંગઠન સિયામના આંકડાઓ અનુસાર જૂન મહિનામાં કારના ઘરેલૂ વેચાણમાં 24.97 ટકાનો ઘટાડો થયો છે. જૂનમાં આ આંકડો 1,39,628 યૂનિટ્સનો રહ્યો, જે ગત વર્ષે જૂનમાં 1,83,855 યૂનિટ હતો. સતત આઠમાં મહિને પેસેન્જર વ્હિકલના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. આ આંકડાઓ આવ્યા બાદ ઓટો ઈન્ડ્સ્ટ્રીએ સરકારને આ ઘટાડાને રોકવા અને નોકરીઓને સુરક્ષિત રાખવા માટે યોગ્ય નીતિગત ઉપાય કરવાનો આગ્રહ કર્યો છે.