અમૃતસરઃ અત્રેના સુવર્ણ મંદિર પરિસરમાં આવેલા શ્રી ગુરુ રામદાસ નિવાસ નજીક ગઈ મધરાત બાદ એક મોટો અવાજ સંભળાયો હતો. પંજાબ પોલીસે કહેવું છે કે તે અવાજ કોઈક વિસ્ફોટનો હોવાની શંકા છે. અવાજ ગઈ મધરાત બાદ લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ સંભળાયો હતો. પોલીસે આ સંદર્ભમાં પાંચ જણને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે. શ્રી ગુરુ રામદાસ નિવાસ શહેરની સૌથી જૂની લોજ છે, જે સુવર્ણ મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ, મુલાકાતીઓ, પર્યટકોમાં લોકપ્રિય છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયામાં સુવર્ણ મંદિર નજીક આ ત્રીજો વિસ્ફોટ થયો છે. ગઈ કાલે રાતના વિસ્ફોટની જાણ થયા બાદ પોલીસ જવાનો અને ફોરેન્સિક ટીમના સભ્યો ઘટનાસ્થળે દોડી ગયા હતા. મકાનની પાછળથી એમને કેટલાક ટૂકડા મળી આવ્યા છે. તપાસ હજી ચાલી રહી છે. પંજાબના પોલીસ વડાએ એક ટ્વીટ મારફત જણાવ્યું છે કે અમૃતસરમાં ઓછી તીવ્રતાવાળા વિસ્ફોટના કેસો ઉકેલાઈ ગયા છે.
