નવી દિલ્હીઃ આધારકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને બેંક ખાતા માટે ભવિષ્યમાં આપને અલગ અલગ ડોક્યુમેન્ટ્સ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે. ગૃહમંત્રી અમિત શાહે આ તમામ ડોક્યુમેન્ટ્સ માટે એક કોમન કાર્ડ જાહેર કરવાનો વિચાર રજૂ કર્યો છે. તેમણે વર્ષ 2021 માં થનારી વસ્તી ગણતરી માટે એક મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની વાત પણ કરી છે, જેનાથી વસ્તી ગણતરી કરવા જતા કર્મચારીઓને કાગળ અને પેન લઈને નહી ફરવું પડે.
અમિત શાહે કહ્યું કે, આપણી પાસે આધારકાર્ડ, પાસપોર્ટ, બેંક અકાઉન્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ અને વોટર કાર્ડ માટે એક જ કાર્ડ કેમ ન હોઈ શકે? એવી સિસ્ટમ હોવી જોઈએ કે તમામ ડેટા એક જ કાર્ડમાં રાખી શકાય. આવું શક્ય છે. એટલા માટે ડિજિટલ વસ્તી વસ્તી ગણતરી જરુરી છે. આપને જણાવી દઈએ કે પર્વતીય રાજ્ય જમ્મૂ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં 1 ઓક્ટોબર 2020 થી વસ્તી ગણતરી પ્રક્રિયા શરુ થશે, જ્યારે અન્ય રાજ્યોમાં 1 માર્ચ 2021 થી વસ્તી ગણતરી શરુ થશે.
દેશભરમાં 16 ભાષાઓમાં વસ્તી ગણતરીનું કામ થશે અને આના પર કુલ 12,000 કરોડ રુપિયા જેટલો ખર્ચ થશે. અમિત શાહે કહ્યું કે વર્ષ 2021 ની વસ્તી ગણતરીનો ડેટા ભવિષ્યના ભારતની યોજનાનો આધાર હશે. માર્ચમાં સરકારે જણાવ્યું હતું કે આ વખતે દેશની વસ્તી ગણતરી બે ચરણોમાં થશે. 2021 ની વસ્તી ગણતરીનો પ્રી-ટેસ્ટ 12 ઓગસ્ટ 2019 ના રોજ શરુ થયો હતો જે આ મહિનાના અંતમાં પૂર્ણ થશે. અમિત શાહે જણાવ્યું કે વસ્તી ગણતરીના કામમાં કુલ 33 લાખ લોકોની મદદ લેવામાં આવશે, જેઓ ઘરે-ઘરે જઈને આંકડાઓ એકત્ર કરશે. શાહે કહ્યું કે વસ્તી ગણતરી કોઈ કંટાળજનક કામ નથી. આની મદદથી સરકાર લોકો સુધી પોતાની યોજનાઓ પહોંચાડી શકે છે. નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરની મદદથી સરકારને દેશની સમસ્યાઓ સોલ્વ કરવામાં મદદ પ્રાપ્ત થાય છે.
ગૃહ મંત્રીએ કહ્યું કે એ પ્રકારની સીસ્ટમ પણ હોવી જોઈએ કે જેમાં કોઈપણ વ્યક્તિનું અવસાન થતા જ તેની જાણકારી જનસંખ્યા આંકડામાં અપડેટ થઈ જાય. તેમણે કહ્યું કે આધાર, પાસપોર્ટ, બેંક ખાતા, ડ્રાઈવિંગ લાયસન્સ અને વોટરકાર્ડ જેવી પણ સુવિધાઓ માટે એક જ કાર્ડ હોઈ શકે છે. આની શક્યતાઓ છે.