ઝારખંડ વિધાનસભામાં નમાજ અદા કરવા રૂમની ફાળવણી

રાંચીઃ ઝારખંડ વિધાનસભાના નવા બિલ્ડિંગમાં નમાજ અદા કરવા માટે રૂમ ફાળવવામાં આવ્યો છે. આ સંબંધે ઝારખંડ વિધાનસભા સચિવાલય દ્વારા ગુરુવારે આદેશ જારી કરવામાં આવ્યો હતો. એ સાથે વિધાનસભાના રૂમ 348ને નમાજ અદા કરવા માટે આરક્ષિત કરવામાં આવ્યો હતો. નોટિફિકેશન પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં ઝારખંડના ભૂતપૂર્વ વિધાનસભાના અધ્યક્ષ તથા ભાજપના વરિષ્ઠ નેતા સીપી સિંહે કહ્યું હતું કે અમે નમાજ અદા કરવા માટે રૂમ ફાળવણી કરવાની વિરુદ્ધ નથી, પણ અમને પણ વિધાનસભા ભવન પ્રાંગણમાં હનુમાન મંદિર બનાવવાની મંજૂરી મળવી જોઈએ.

જો વિધાનસભા અધ્યક્ષ મંદિર બનાવવાની મંજૂરી આપશે તો અમે તેનો ખર્ચ કરવા માટે તૈયાર છીએ. તેમણે કહ્યું હતું કે નમાજ અદા કરવા માટે જગ્યા આપી રહ્યા છો તો પૂજા કરવા માટે હનુમાનજી મંદિર પણ વિધાનસભા પ્રાંગણમાં  બનાવવામાં આવે.

ઝારખંડ વિધાનસભા સચિવાલયના એક અધિકારીના જણાવ્યા મુજબ બિહાર વિધાનસભામાં નમાજ અદા કરવા માટે રૂમ ફાળવવામાં આવેલો છે અને એને આધારે ઝારખંડ વિધાનસભાના જૂના ભવનમાં રૂમ ફાળવવામાં આવ્યો હતો. એ જ આધારે નવી વિધાનસભા ભવનમાં રૂમ ફાળવવામાં આવ્યો છે.
બાબુલાલ મરાંડીએ કહ્યું હતું કે  વિધાનસભા લોકતંત્રનું એ મંદિર છે, જેને કોઈ ધર્મ અથવા પંથની પરિધિમાં ન રાખી શકાય, પણ ઝારખંડ વિધાનસભામાં કોઈ વર્ગ વિશેષ માટે નમાજ અદા કરવા માટે રૂમ ફાળવવો એ ખોટી પરંપરાની શરૂઆત છે, જે લોકતાંત્રિક મૂલ્યોના વિપરીત છે. હું વિધાનસભા અધ્યક્ષ રબીન્દ્રનાથ મહતોને આ નિર્ણયને પરત ખેંચવા માટે વિનંતી કરું છું.