પરિવારના ઝઘડાથી શરુ થઈ હતી યસ બેંકની બરબાદી…

નવી દિલ્હી: એક સમયે લોકોની પહેલી પસંદ બનેલી યસ બેંક આજે ડૂબવાની આરે છે. એક એવી બેંક કે જે સરેરાશ વ્યાજથી વધુ ચૂકવણી કરવા માટે જાણીતી હતી. આજે તેના ખૂબ જ ખરાબ દિવસો ચાલી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે મહિનાઓથી તેને બચાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બેંકનો શેર સતત તૂટી રહ્યો છે, આજના સત્રમાં તે 50 ટકાથી વધુ તૂટ્યો છે. એસબીઆઈ હવે તેને બચાવવા આગળ આવી છે, પરંતુ બેંકોની દુનિયામાં આ ચમકતો તારો કેવી રીતે ખાડા સુધી પહોંચ્યો તે જાણવું છે? આ કહાનીની શરૂઆત રાણા કપૂરના પરિવારના સામંતિક વાતાવરણ અને આંતરીક ઝઘડાથી થાય છે. અહીં આપણે જાણીએ યસ બેંકનું અતથી ઈતી સુધીની સફર.

વર્ષ 2004ની વાત છે રાણ કપૂરે તેમના સંબંધી અશોક કપૂર સાથે મળીને યસ બેંકની શરુઆત કરી હતી. 26/11 મુંબઈ હુમલામાં અશોક કપૂરનું મૃત્યું થઈ ગયું, ત્યાર પછી અશોક કપૂરની પત્નિ મધુ કપૂર અને રાણા કપૂર વચ્ચે બેંકના માલિકીના હક્કને લઈને લડાઈ શરુ થઈ. મધુ તેમની પુત્રીને બેંકના બોર્ડમાં સામેલ કરવા ઈચ્છતી હતી. એટલે કે બેંકની સ્થાપનાના 4 વર્ષમાં જ પારિવારીક ઝઘડો બેંક પર હાવી રહ્યો અને આજે આ નોબત આવી.

દેશની ખાનગી બેંકોમાં ચોથા નંબરની સૌથી મોટી બેંક યસ બેંકની હાજરી સમગ્ર દેશમાં છે. યસ બેંકનું હેડક્વાર્ટર મુંબઈમાં છે. બેંકનું નેટવર્ક ઘણું મોટું છે. દેશભરમાં 1000થી વધુ બ્રાન્ચો  અને 1800 એટીએમ છે. યસ બેંકની મહિલા સ્પેશિયલ બ્રાન્ચ પણ છે, જેને યસ ગ્રેસ બ્રાન્ચના નામથી ચલાવવામાં આવે છે. આ બ્રાન્ચોમાં મહિલાઓ માટે ખાસ પ્રોડક્ટ ઓફર કરવામાં આવે છે. આ બેંકમાં તમામ કર્મચારીઓ પણ મહિલાઓ જ છે. આ ઉપરાંત દેશમાં 30થી વધુ યસ ઈએએમઈ બ્રાન્ચ પણ છે, જે SMEs ઉદ્યોગોને ખાસ સ્પેશિયલ સર્વિસ પૂરી પાડે છે.

પરિવારીક ઝઘડો: વર્ષ 2008માં અશોક કપૂરના મોત પછી કપૂર પરિવારમાં આંતરિક ઝઘડો શરુ થયો. અશોકની પૂત્રીને બોર્ડમાં સામેલ કરવાની વાતને લઈને ઝઘડો એટલો વધી ગયો કે, મામલો મુંબઈ હાઈકોર્ટ સુધી પહોંચ્યો, જેમાં જીત રાણા કપૂરના પક્ષની થઈ. ત્યાર પછી થોડા સમય માટે આ યુદ્ધે વિરામ લીધો અને રણવીર ગિલની બેંકના એમડી તરીકે નિમણૂંક કરવામાં આવી. આ દરમ્યાન કોર્પોરેટ ગવર્નન્સ સાથે સમજૂતીના મામલાઓ સામે આવ્યા અને બેંક દેવામાં ડૂબી ગઈ. ધીમે ધીમે સમય બદલાયો અને બેંકના પ્રમોટર્સે તેમનો હિસ્સો વેંચવાનું શરું કરી દીધું.

રાણ કપૂરને પણ વેચવા પડયા શેર: રાણા કપૂર બેંકમાં તેમના શેરને હીરા-મોતી ગણાવતા હતા અને કદી વેંચવા માગતા નહતા. પણ ઓક્ટોબર 2019માં સ્થિતિ એવી આવી કે રાણ કપૂર અને તેમના ગ્રુપની હિસ્સેદારી ઘટીને માત્ર 4.72 ટકા રહી ગઈ. 3 ઓક્ટોબરે સીનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ રજત મોંગાએ રાજીનામુ આપ્યું અને સપ્ટેમ્બરમાં તેમની હિસ્સેદારી પણ વેંચી દીધી હતી.

કોર્પોરેટ ગ્રાહકોએ ડૂબાડી બેંક: યસ બેંક પાસે તેના ગ્રાહકોની સૂચિમાં રિટેલ કરતાં વધુ કોર્પોરેટ ગ્રાહકો છે. YES બેંકે જે કંપનીઓને લોન આપી તેમાની મોટાભાગની કંપનીઓ ખોટમાં છે. કંપનીઓ નાદારીના આરે છે, તેથી લોન પરત મેળવવાની આશા ઘણી ઓછી છે. જ્યારે કંપનીઓ ડૂબવા લાગી તો બેંકની સ્થિતિ વધુ નાજુક બનતી ગઈ.

યસ બેંકનું સંકટ ત્યારે ઘેરું બન્યું જ્યારે બેંકના કો-ફાઉન્ડર રાણા કપૂરને પદ પરથી હટાવી દેવામાં આવ્યા. રિઝર્વ બેંકે કહ્યું કે, તે બેલેન્સ સીટની સાચી માહિતી નથી આપી રહ્યા. અને 31 જાન્યુઆરીએ તેમને પદ છોડવાનું કહેવામાં આવ્યું. આરબીઆઈએ બેંક પર 1 કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો. બેંક પર આરોપ હતો કે, બેંક મેસેજિંગ સોફ્ટવેર સ્વિફ્ટના નિયમોનું પાલન નથી કરી રહી. આ સોફ્ટવેરનો ઉપયોગ બેંક લેવડદેવડ માટે કરતી હતી.

ઓગસ્ટ 2019માં મૂડીઝે યસ બેંકનું રેટિંગ ઘટાડી દીધું અને અન્ય રેટિંગ એજન્સીઓએ પણ મો ફેરવી લીધું. રેટિંગ ઘટવાને કારણે બેંકની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને બજારમાં નેગેટિવ સંકેતો ફેલાવા લાગ્યા.

સપ્ટેમ્બર 2018માં યસ બેંકનું માર્કેટ કેપ 80 હજાર કરોડની આસપાસ હતું તે 90 ટકા ઘટી ગયું છે. ઓગસ્ટ 2018માં બેંકના શેરની કિંમત 400 રૂપિયાની આસપાસ હતી, જે નાણાકીય સંકટને કારણે આજે 18 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. આશા છે કે, આગામી 30 દિવસની અંદરમાં દેશની ચોથા નંબરની સૌથી મોટી બેંકનું મર્જર કે ટેકઓવર થઈ જશે.