બેંગ્લુરુ-ગત સપ્તાહથી કર્ણાટકમાં ચાલી રહેલાં રાજકીય તખ્તના નાટક પર આજે વધુ નવો અંકપ્રવેશ થયો છે. કર્ણાટકમાં રાજકીય ગરમાવા વચ્ચે મુખ્યપ્રધાન કાર્યાલયે કહ્યું કે, કોંગ્રેસની જેમ જેડીએસના પણ તમામ પ્રધાન બનેલા નેતાઓએ રાજીનામાં આપી દીધાં છે. ટૂંકસમયમાં જ કેબિનેટનું પુનર્ગઠન કરવામાં આવશે. વધુમાં આ કટોકટી માટે પોતાનો આંતરિક અસંતોષ નહીં પણ ભાજપ દ્વારા આમ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ નેતાઓ કરી રહ્યાં છે.
કર્ણાટક મુખ્યપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને કહ્યું કે, કોંગ્રેસના 21 પ્રધાનોની જેમ જ JD(S)ના પણ તમામ પ્રધાનોએ આપ્યા રાજીનામાં, ટુંક સમયમાં જ કેબિનેટનું પુનર્ગઠન કરવામાં આવશે. આ પહેલા અમેરિકાથી પરત ફર્યા બાદ મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીએ કોંગ્રેસ અને જેડીએસના નેતાઓ સાથે બેઠક કરી હતી.
કોંગ્રેસે પણ ગઠબંધનની સરકારને બચાવવાનો અંતિમ પ્રયત્ન કરતા કહ્યું કે, કેબિનેટમાં ફેરબદલી કરવા અને અસંતુષ્ટ ધારાસભ્યોને તેમાં સ્થાન આપવા માટે તેમના પ્રધાનોએ સ્વેચ્છાએ રાજીનામા આપી દીધા છે.
નાયબ મુખ્યપ્રધાન જી પરમેશ્વરના નિવાસ સ્થાને મળેલી કોંગ્રેસની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં કોંગ્રેસ વિધાયક દળના નેતા સિદ્ધારમૈયા અને કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે પણ ભાગ લીધો હતો.
બેઠક પછી વેણુગોપાલે કહ્યું કે, પાર્ટીના હીતમાં કાલે અને આજે અમે વરિષ્ઠ નેતાઓ તેમજ પ્રધાનો સાથે વિસ્તૃત ચર્ચા કરી છે. આજે સવારે અમે પ્રધાનો સાથે બેઠક કરી.જ્યાં સુધી કોંગ્રેસના પ્રધાનોની વાત છે તો, હાલના તબક્કે તેમણે સ્વેચ્છાએ પ્રધાનપદેથી રાજીનામાં આપ્યાં છે.