હૈદરાબાદ – આ શહેરમાં 26 વર્ષીય વેટરનરી મહિલા ડોક્ટર પ્રિયંકા રેડ્ડી પર સામુહિક બળાત્કાર કરનાર અને એને જીવતી સળગાવી દેવાનું અધમ કૃત્ય કરનાર ચારેય આરોપીને પોલીસે આજે સવારે એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે.
પોલીસે ચારેય જણને શાદનગર નજીક એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. શાદનગર હૈદરાબાદથી આશરે 50 કિ.મી. દૂર આવેલું છે. ચારેય આરોપીના નામ છેઃ મોહમ્મદ આરીફ, નવીન, શિવા અને ચેંન્નાકેશાવુલુ.
એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો એટલે એમને ઠાર કરવામાં આવ્યા હતા. બનાવમાં બે પોલીસ ઘાયલ પણ થયા છે. આ ચારેયને આજે સવારે લગભગ 3 અને 6 વાગ્યાની વચ્ચે શાદનગરના ચટનપલ્લી વિસ્તારમાં ઠાર કરવામાં આવ્યા હતા.
આરોપીઓને હૈદરાબાદ શહેરની હદમાં આવેલા એ જ સ્થળે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે જ્યાં એમણે ગઈ 27 નવેંબરની રાતે પશુચિકિત્સક ડોક્ટર પર સામુહિક બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ એના દેહને ફેંકીને સળગાવી દીધો હતો.
પોલીસો આરોપીઓને ગુનાનો ઘટનાક્રમ જાણવા માટે તપાસના ભાગરૂપે ગુનાનાં સ્થળે લઈ ગયા હતા, પણ એ દરમિયાન આરોપીઓએ ત્યાંથી ભાગવા માટે પોલીસો પર હુમલો કર્યો હતો. એટલે પોલીસોએ એમને ગોળીએ દીધા હતા.
પશુચિકિત્સક ડોક્ટરનાં બળાત્કાર અને હત્યા પ્રકરણે દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે.
આ ચારેય જણ ટ્રક ડ્રાઈવરો અને ક્લીનર હતા. એમણે મહિલા ડોક્ટરને હાઈવે પર એક ટોલ-બૂથ પાસે એમનું સ્કૂટી પાર્ક કરતાં જોયાં હતાં. એ મહિલા ડર્મેટોલોજી માટેની એક અપોઈન્ટમેન્ટ માટે ગયાં હતાં. એ દરમિયાન આરોપીઓએ સ્કૂટીનું ટાયર પંક્ચર કરી દીધું હતું અને મહિલા પાછી ફરી એની રાહ જોતાં રહ્યા હતા. મહિલા જ્યારે પાછી આવી અને જોયું કે સ્કૂટીનું ટાયર પંક્ચર થયેલું છે ત્યારે ચારેય આરોપીઓએ એમને મદદ કરવાના બહાને એમને એક નિર્જન સ્થળે લઈ ગયા હતા અને ત્યાં એની પર સામુહિક બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ એમણે મહિલાનું ગળું દાબીને મારી નાખી હતી અને એનું શરીર સળગાવી દીધું હતું જેથી કોઈ પુરાવો ન મળે.
બીજા દિવસે મહિલાનાં ગળામાં રહેલા ભગવાન ગણેશનાં એક લોકેટ પરથી સળગી ગયેલા મૃતદેહની ઓળખ પરિવારજનોએ કરી હતી.