નવી દિલ્હી- એરસેલ મેક્સિસ કેસમાં પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમને મોટી રાહત મળી છે. પટીયાલા હાઉસ કોર્ટે ચિદમ્બરમની ધરપકડ પર 10 જૂલાઇ સુધી રોક લગાવી છે. અગાઉ આ રોક 5 જૂન સુધી હતી. આ કેસના સંદર્ભમાં ચિદમ્બરમ આજે સવારે ઈડી કાર્યાલયે હાજર થયા હતા.આ પહેલાં પણ કોર્ટે એરસેલ મેક્સિસ કેસમાં પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને વચગાળાની રાહત આપી હતી. અને તેની ધરપકડ ઉપર પણ 10 જૂલાઈ સુધી રોક લગાવી હતી. આપને જણાવી દઈએ કે, INX મીડિયા સાથે જોડાયેલા એક કેસમાં પી. ચિદમ્બરમે ગત સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જાણવા પ્રયાસ કરી રહ્યું છે કે, કાર્તિના પિતા પી. ચિદમ્બરમ વર્ષ 2006માં જ્યારે કેન્દ્રમાં નાણાંપ્રધાન હતા ત્યારે તેમણે કાર્તિને એરસેલ-મેક્સિસ ડીલમાં ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ પાસેથી મંજૂરી મેળવવા કેવા પ્રકારે મદદ કરી હતી.
શું છે આરોપ?
પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ પર આરોપ છે કે, એરસેલ-મેક્સિસ ડીલને કથિત મંજૂરી આપવા માટે તેમણે FDIના આર્થિક બાબતોની કેબિનેટની સમિતિની અવગણના કરી હતી. EDના જણાવ્યા મુજબ, એરસેલ-મેક્સિસ ડીલમાં તત્કાલીન નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે કેબિનેટ સમિતિની પરવાનગી વગર જ મંજૂરી આપી હતી. આ સોદો રુ. 3 હજાર 500 કરોડનો હતો.