પત્ની સુનંદાનું શંકાસ્પદ મૃત્યુ; શશી થરૂર સામે દિલ્હીની કોર્ટમાં કેસ ચલાવાશે

નવી દિલ્હીઃ સુનંદા પુષ્કર વિવાદાસ્પદ મૃત્યુના કેસમાં કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરૂરને નવી દિલ્હીની અદાલતે સમન્સ મોકલ્યું છે. થરૂર સામે આરોપી તરીકે કોર્ટમાં કેસ કાર્યવાહી ચલાવવામાં આવશે.

શશી થરૂર તિરૂવનંતપૂરમ (કેરળ)માંથી લોકસભાના સભ્ય છે. તેમની ઉપર પત્ની સુનંદાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ છે. થરૂર પર IPCની કલમ 306 તેમજ વૈવાહિક જીવનમાં ક્રૂરતાપૂર્ણ વ્યવહાર માટે 489A હેઠળ આરોપ લગાવાયો છે.

ન્યાયાધીશે કહ્યું કે, ‘મેં ફરિયાદી પક્ષની દલીલ સાંભળી છે. મેં આરોપનામું પણ જોયું છે. સાથોસાથ એ સાથેના દસ્તાવેજોનો અભ્યાસ પણ કર્યો છે. પોલીસ રિપોર્ટ (આરોપનામું)ના આધાર પર હું ડો. શશી થરૂરને દિવંગત સુનંદા પુષ્કરને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા અને એમના પ્રતિ ક્રૂરતાના અપરાધને માન્ય રાખું છું. શશી થરૂર વિરુદ્ધ ભારતીય ફોજદારી કાયદાની કલમ 306 અને 498-A અંતર્ગત કાર્યવાહી કરવા માટે યોગ્ય આધાર છે. સાત જુલાઈએ હાજર થવાનું એમને સમન્સ ઈસ્યૂ કરવામાં આવે.’

દિલ્હી પોલિસની ચાર્જશીટ હેઠળ દિલ્હીની સ્થાનિક કોર્ટે શશી થરૂરને આરોપી તરીકે હાજર થવાનું સમન્સ મોકલ્યું છે અને આવતી 7 જુલાઈએ કોર્ટમાં હાજર થવાનું ફરમાન કર્યું છે. થરૂરે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમર વિશાલ સમક્ષ હાજર થવું રહેશે.

સુનંદા પુષ્કરનું 2014માં દિલ્હીના એક ફાઈવસ્ટાર હોટેલમાં સંશયાસ્પદ રીતે મૃત્યુ થયું હતું. સુનંદાએ મૃત્યુપૂર્વે શશી થરૂરને એક મેઈલ કર્યો હતો, જેમાં એણે આપઘાત કરવાની પોતાની ઈચ્છા વિશે લખ્યું હતું. આ મેઈલ તેમજ અન્ય લેટર સોશિયલ મિડિયા પર વાયરલ થયા હતા. જેની  દિલ્હી પોલિસે પોતાની ચાર્જશીટમાં મહત્વપૂર્ણ સાબિતી તરીકે આનો સમાવેશ કર્યો છે.

મારી સામેના આરોપ પાયાવિહોણા છેઃ શશી થરૂર

દરમિયાન શશી થરૂરે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે એમની સામેના આરોપ નિરર્થક, પાયાવિહોણા અને બદનામ કરવાના અને બદલો લેવાના આશયવાળા છે.

થરૂરે કહ્યું છે કે પોતે આ આરોપની સામે પૂરી તાકાતથી લડી લેશે અને અંતે સત્યની જીત થશે.

આ છે, શશી થરૂરે ઈસ્યૂ કરેલા પત્રની તસવીર.