એર-એમ્બ્યુલન્સ વિમાન દુર્ઘટનામાંથી આબાદ ઉગરી ગયું

મુંબઈઃ એક દર્દી, એક ડોક્ટર સહિત પાંચ જણ સાથે મહારાષ્ટ્રના નાગપુરથી આંધ્ર પ્રદેશના હૈદરાબાદ તરફ જતું એક એર એમ્બ્યુલન્સ વિમાન ગઈ કાલે રાતે એક મોટી દુર્ઘટનામાંથી આબાદ બચી ગયું હતું. નાગપુરથી જેટ સર્વ એવિએશન કંપનીના નાનકડા C-90 VT-JIL ટર્બોપ્રોપ વિમાને ઉડ્ડયન કર્યું એ જ વખતે એનું એક પૈડું નીકળીને પડી ગયું હતું. ત્યારબાદ તરત જ એના પાઈલટ કેશરીસિંહે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટને જાણ કરી હતી અને વિમાનને મુંબઈ તરફ વાળી દેવામાં આવ્યું હતું. મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી ઘોષિત કરી દેવામાં આવી હતી. વિમાન ક્રેશ લેન્ડિંગ કરશે એવી આશંકાને પગલે રનવે પર અગ્નિશામક દળના કર્મચારીઓ સાધનસામગ્રી સાથે હાજર થઈ ગયા હતા. રાતે 9.09 વાગ્યે પાઈલટે વિમાનનું બેલી લેન્ડિંગ (પેટના ભાગેથી ઉતરાણ) કરાવ્યું હતું, જે સુરક્ષિત રહ્યું હતું. આ ઈમરજન્સી લેન્ડિંગ બાદ તરત જ વિમાન પર ફોમ નાખીને એને આગમાંથી બચાવી લેવામાં આવ્યું હતું.

વિમાનમાં એક અન્ય ક્રૂ મેમ્બર, દર્દીના એક સંબંધી પણ હતા. સદ્દભાગ્યે તમામ પ્રવાસીઓ કોઈ પ્રકારની ઈજા વગર સુરક્ષિત રહી શક્યા છે.