મુંબઈઃ દેશભરનાં લોકો જેની ગભરાટ સાથે રાહ જોઈ રહ્યાં છે તે કોરોનાવાઈરસ ચેપી બીમારીની ત્રીજી લહેર ઓગસ્ટના મધ્ય ભાગ સુધીમાં આવવાની સંભાવના છે. તે લહેર સપ્ટેમ્બરમાં ચરમસીમાએ પહોંચશે. આ ચેતવણી કેન્દ્ર સરકાર હસ્તકની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના એક સંશોધનાત્મક અહેવાલમાં આપવામાં આવી છે. SBI રિસર્ચ દ્વારા ‘કોવિડ-19: ફિનિશિંગ લાઈન તરફની દોટ’ શીર્ષક હેઠળ પ્રકાશિત કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 21 ઓગસ્ટ બાદ કોવિડ-19ની ત્રીજી લહેર વધવા માંડશે. બીજી લહેર કરતાં ત્રીજી લહેરની ચરમસીમા બમણી હશે. એસબીઆઈના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્યા કાંતિ ઘોષે અહેવાલમાં જણાવ્યું છે કે ભારતમાં કોરોના બીમારીની બીજી લહેર 7 મેએ ચરમસીમા પર પહોંચી હતી. ભારતમાં બીજી લહેર હજી સમાપ્ત થઈ નથી. હાલની વિગતોને ધ્યાનમાં લેતા કહી શકાય કે જુલાઈના બીજા અઠવાડિયામાં નવા આશરે 10 હજાર કેસ નોંધાઈ શકે છે. ઐતિહાસિક ટ્રેન્ડ્સના આધારે કહી શકાય કે આ કેસો આવતા ઓગસ્ટના બીજા પખવાડિયા સુધીમાં વધવાનું શરૂ થશે અને ઓછામાં ઓછા એક મહિના બાદ કેસોની સંખ્યા ચરમસીમા પર પહોંચશે.
ઉલ્લેખનીય છે કે, SBI રિસર્ચ દ્વારા કોરોનાની બીજી લહેર વિશે પણ જે ચેતવણી આપવામાં આવી હતી તે સાચી પડી હતી. તેણે આગાહી કરી હતી કે ભારતમાં કોરોનાની બીજી લહેર મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં ચરમસીમા પર પહોંચશે અને બરાબર એવું જ બન્યું હતું. ભારતમાં કુલ વસ્તીના માત્ર 4.6 ટકા લોકોએ જ અત્યાર સુધીમાં કોરોના-પ્રતિરોધક રસીના બંને ડોઝ લીધા છે. 20.8 ટકા લોકોએ પહેલો ડોઝ લીધો છે. અમેરિકામાં આ આંકડો (પહેલો ડોઝ લેનારાઓનો) 47.1 ટકા, બ્રિટનમાં 48.7 ટકા, સ્પેનમાં 38.5 ટકા, ફ્રાન્સમાં 31.2 ટકા છે.