મૈનપુરીમાં રૂ. 10 માટે દુકાનદારની હત્યા કરાઈ

લખનઉઃ ઉત્તર પ્રદેશના મૈનપુરથી આશ્ચર્યચકિત કરનારા સમાચાર આવ્યા છે. અહીં રૂ. 10ના વિવાદમાં દુકાનદારની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યા પછી આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. એ વિસ્તારમાં ગોળી ચાલવાને કારણે લોકોમાં ભય છે. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં માત્ર રૂ. 10ના વિવાદમાં એક દુકાનદાર મહેશચંદ્ર જાટવની હત્યા કરવામાં આવી છે તે દલિત હતો. તે તેની દુકાનની બહાર સૂતો હતો, ત્યારે ગુલફામ ઉર્ફે ગુલ્લા બંજારા તરીકે ઓળખાતા આરોપીએ તેના માથામાં ગોળી મારી દીધી હતી. આ મામલો 12 જૂનનો છે. હત્યા કર્યા પછી આરોપી ફરાર  થયો હતો. પોલીસે તેની તપાસ કરવા માટે ટીમ બનાવી હતી, જે પછી મંગળવારે (27 જૂને) તેની ધરપકડ કરવામાં આવી છે.

ગુલફામે ખુલાસો કરતાં કહ્યું હતું કે જાટવની દુકાન પર અન્ય સામાન સિવાય તે પેટ્રોલ પણ વેચતો હતો. ગુલફામે જાટવ પાસે પેટ્રોલ ખરીદ્યું હતું. ગુલફામના ગયા પછી જાટવને લેવડદેવડમાં રૂ. 10ની ગરબડ નજરે ચઢી. જેથી તેણે ગુલફામને બાકીના રૂ. 10 આપવા કહ્યું, પરંતુ ગુલફામે તેને પૈસા આપવાનો ઇનકાર કર્યો. બંને વચ્ચે રૂ. 10ને લઈને તૂતમૈંમૈં થઈ ગઈ. જે પછી જાટવે ગુલફામને ધમકી આપી હતી, જાટવથી ધમકી મળવા પર ગુલફામે બદલો લેવાનો નિર્ણય કર્યો. 12 જૂને જાટવ દુકાનની બહાર સૂતો હતો, ત્યારે ગુલફામે તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે હાલ આરોપી ગુલફામની ધરપકડ કરી છે.