કોઝિકોડઃ કેરળના કોઝિકોડમાં રવિવારે એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા માટે થયેલા મામૂલી ઝઘડા પછી એક વ્યક્તિએ અન્ય યાત્રીને આગ લગાડી દીધી હતી. જેથી ત્રણ લોકોનાં કરુણ મોત થયાં હતાં અને અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા. આગ લાગ્યાની ઘટનાના કેટલાક કલાકો પછી કેરળના ઇલાથુર રેલવે સ્ટેશનની પાસે પાટા પર એક વર્ષના બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.
આશંકા છે કે અલપ્પ્ઝા-કન્નુર એક્ઝ્ક્યુટિવ એક્સપ્રેસના યાત્રીઓ દ્વારા ઇમરજન્સી ચેઇન ખેંચ્યા પછી ટ્રેન ધીમી થયા બાદ તે વ્યક્તિ ફરાર થઈ ગઈ હતી. હજી આરોપીઓની ઓળખ નથી થઈ શકી. આ ઘટના રાત્રે 9.45 કલાકે થઈ હતી, જ્યારે ટ્રેન કોઝિકોડ શહેરને પાર કર્યા પછી કોરાપુઝા રેલવે પૂલ પર પહોંચી હતી. યાત્રીઓએ રેલવે સુરક્ષા દળ (RPF)ને સૂચના આપી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી, એમ સૂત્રોએ કહ્યું હતું.
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રારંભિક સૂચના અનુસાર આગ લગાવનાર વ્યક્તિ ઘટના પછી ફરાર થઈ ગઈ હતી. જોકે આ આગમાં દાઝી જનાર ત્રણ લોકોને RPFના જવાનોએ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા અને આવશ્યક નિરીક્ષણ પછી ટ્રેન રવાના થઈ ગઈ હતી.
પ્રારંભિક અહેવાલો મુજબ બે વ્યક્તિઓ વચ્ચે ચણભણ થતાં આ ઘટના બની હતી, જેમાં બે વ્યક્તિમાં ઝઘડા પછી એક વ્યક્તિએ બીજા યાત્રી પર જ્વલનશીલ પદાર્થ નાખીને આગ લગાડી દીધી હતી. આ ઘટનાને કારણે ભાગદોડ થઈ હતી અને આ આગમાં દાઝેલા ત્રણ લોકોનાં મોત થયાં હતાં અને આઠ લોકો ઘાયલ થયા હતા.