નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કની ધિરાણદરની સમીક્ષા કરતી સમિતિ MPC ફેબ્રુઆરીમાં વધુ એક વાર રેપો રેટમાં વધારો કરે એવી ધારણા છે. ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો ભલે રિઝર્વ બેન્કના લક્ષ્યના છ ટકાની અંદર અને એક વર્ષની નીચલી સપાટીઓ હોય, તેમ છતાં સમિતિ આગામી મહિને રેપો રેટમાં 25 બેઝિસ પોઇન્ટનો વધારો કરે એવી શક્યતા છે. વિશ્લેષકોનું ટર્મિનલ રેપો રેટ 6.5 ટકાના સ્તરે જોઈ રહ્યા છે. બાર્કલેઝના વિશ્લેષકોનું માનવું છે કે ડિસેમ્બરમાં નીચા ફુગાવાના દરથી RBI સંતુષ્ટ નથી, કેમ કે હજી પણ RBI રેપો રેટમાં 25 ટકાનો વધારો કરીને રેપો રેટ 6.50 ટકા સુધી લઈ જશે.
વળી, અમારું માનવું છે કે સ્થિતિ હજી પણ તરલ છે અને વૈશ્વિક મંદીની આસંકા અને ફુગાવામાં વધારાની સ્થિતિને જોતાં રિઝર્વ બેન્કની આગામી મીટિંગની કાર્યવાહી મહત્ત્વપૂર્ણ બની રહેશે, એમ તેમણે કહ્યું હતું. ટેલવિન્ડના સહસંસ્થાપક વિવેક ગોયલે જણાવ્યું હતું કે રિટેલ ફુગાવો ભલે ઘટ્યો હોય, પણ જથ્થાબંધ ફુગાવો હજી પણ સ્થિર છે. વળી ફેડની નીતિની ટૂંક સમયમાં ઘોષણા થવાની છે. હવે ફેડ આગામી શાં પગલાં લે છે – એ જોવાનું છે.
RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે દેશમાં ક્રેડિટ ગ્રોથની હાલત હજી ઉત્સાહજનક નથી. તેમણે કહ્યું હતું કે ડિપોઝિટ ગ્રોથ અને ક્રેડિટ ગ્રોથના વાસ્તવિક આંકડામાં હજી મોટ ગેપ જોવા નથી મળી રહ્યો છે.