નવી દિલ્હી– બિહાર અને ઉત્તરપ્રદેશના આશ્રય ગૃહોમાં કન્યાઓની જાતીય સતામણીના બનાવો સામે આવ્યા બાદ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આગામી 60 દિવસોમાં દેશભરમાં નવ હજારથી વધુ આશ્રય ગૃહોના સોશિયલ ઓડિટનો આદેશ આપ્યો છે.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ચાઈલ્ડ રાઈટ પ્રોટેક્શન કમિશનને ઑડિટ કરવા માટેની જવાબદારી આપવામાં આવી છે અને બે મહિનાની અંદર તેનો રિપોર્ટ મંત્રાલય સમક્ષ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. દેશમાં કુલ 9 હજાર 462 બાળસંભાળ સંસ્થાઓ છે. જે પૈકી 7 હજાર 109 રજિસ્ટર્ડ છે. આ બાળસંભાળ સંસ્થાઓને ચલાવવા માટે સરકારી ફંડ આપવામાં આવે છે અને આ સંસ્થાઓ ચલાવવા માટે રાજ્ય સરકાર NGOની મદદ લે છે.
કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે, NGO સંચાલિત બાળગૃહોમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં રહેતી સ્ત્રીઓ, કન્યાઓ અને બાળકોને બાળ કલ્યાણ સમિતિ તરફથી મંજૂરી મેળવ્યા બાદ જ હંગામી આશ્રય આપવામાં આવે છે. કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે, ‘ગત બે વર્ષથી હું સાંસદોને પત્ર લખી રહી છું. જેમાં મેં તેમને તેમના વિસ્તારોના આશ્રય ગૃહની મુલાકાત લેવાની વિનંતી કરી છે. અમે NGO દ્વારા આશ્રયસ્થાનોનું ઓડિટ કરાવ્યું અને તેમાં તેમણે કંઈ પણ અસામાન્ય નહીં હોવાનું જણાવ્યું હતું. જેનો અર્થ એ થયો કે, ઓડિટ વ્યાપક રીતે કરવામાં આવ્યું નહતું’.
શેલ્ટર હોમની બદહાલ સ્થિતિ અંગે મહિલા અને બાળવિકાસ પ્રધાનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઉત્તરપ્રદેશના દેવરિયાના એક શેલ્ટર હોમમાંથી જાતીય સતામણીના આક્ષેપો સામે આવ્યા બાદ 24 કન્યાઓને બચાવવામાં આવી હતી.