મરીના બીચ પર કરૂણાનિધિની દફનવિધિ કરવામાં આવી

ચેન્નાઈ – ડીએમકે પાર્ટીના વડા અને તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એમ. કરૂણાનિધિને આજે સાંજે અહીંના મરીના બીચની રેતાળ માટી પર એમના ગુરુ સી.એન. અન્નાદુરાઈના સમાધિસ્થળની બાજુમાં દફન કરવામાં આવ્યા હતા.

હજારોની સંખ્યામાં એકત્ર થયેલા સમર્થકોએ અશ્રુભીની આંખે એમના ‘કલૈગ્નાર’ (કલાકાર), નેતાને અંતિમ વિદાય આપી હતી.

કરૂણાનિધિના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે જ્યાં રાખવામાં આવ્યા હતા તે રાજાજી હોલ ખાતેથી મરીના બીચ સુધી ફૂલોથી સજાવેલી મિલિટરી ટ્રકમાં મૂકીને સરઘસાકારે લઈ જવામાં આવ્યા હતા. રાજાજી હોલથી મરીના બીચ સુધીનું અંતર 3 કિ.મી. જેટલું થાય. અંતિમયાત્રાની આગેવાની કરૂણાનિધિના પુત્ર અને ડીએમકેના કાર્યવાહક પ્રમુખ એમ.કે. સ્ટાલીને લીધી હતી.

કરૂણાનિધિના પાર્થિવ શરીરને રાષ્ટ્રીય તિરંગામાં વીંટાળવામાં આવ્યું હતું. ચહેરા પર એમના ટ્રેડમાર્ક સમાન કાળા ચશ્મા પહેરાવવામાં આવ્યા હતા.

પાર્થિવ શરીર સાથેની સુખડના લાકડાની બનાવેલી કાસ્કેટને મરીના બીચ ખાતે તૈયાર કરવામાં આવેલી કબરમાં ઉતારવામાં આવી ત્યારે મિલિટરી બેન્ડ વગાડવામાં આવ્યું હતું અને દિવંગતને 21-તોપની સલામી આપવામાં આવી હતી.

અગાઉ, રાજાજી હોલ ખાતે કરૂણાનિધિના અંતિમ દર્શન કરી એમને શ્રદ્ધાંજલિ આપનાર હસ્તીઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી ઉપરાંત શરદ પવાર, ફારુક અબ્દુલ્લા, ગુલામ નબી આઝાદ, તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ સિંહ યાદવ, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ, રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના મહામંત્રી સીતારામ યેચુરી, એમના પુરોગામી પ્રકાશ કરાત, કેરળના મુખ્ય પ્રધાન પી. વિજયન, કર્ણાટકના મુખ્ય પ્રધાન કુમારસ્વામી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર્સ રજનીકાંત અને કમલ હાસનનો સમાવેશ થાય છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી મંગળવારે રાતે ચેન્નાઈ આવ્યાં હતાં અને કરૂણાનિધિના નિવાસસ્થાને જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડા પ્રધાન મોદી આજે સવારે વિશેષ વિમાન દ્વારા દિલ્હીથી આવ્યા હતા. કાસ્કેટની પ્રદક્ષિણ કર્યા બાદ એમણે સ્ટાલીન અને કરૂણાનિધિના પુત્રી કનીમોળીને દિલાસો આપ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]