નવી દિલ્હી: લોકડાઉનને પગલે આશરે 2 મહીના સુધી દેશમાં ડોમેસ્ટિક ફ્લાઇટ બંધ રહ્યા બાદ આજથી ફરી રાબેતામુજબ થઇ છે. દેશમાં કોરોના વાઈરસના સંક્રમણને લઇને માર્ચ મહિનાના અંતથી લૉકડાઉન લાગૂ કર્યું છે. ત્યારબાદ કેટલાય લોકો એવા છે જેને પોતાના પરિવારથી દૂર રહેવાનો વારો આવ્યો હતો.
હાલ માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. આવી જ એક ફ્લાઈટ દિલ્હીથી બેંગ્લુરુ પહોંચી. જેમાં વિહાન નામનો 5 વર્ષનો એક છોકરો પણ બેસીને આવ્યો. 5 વર્ષનો વિહાન દિલ્હીથી એકલો બેંગ્લુરુ આવ્યો. એરપોર્ટ પર લેવા માટે તેની માતા પહોંચી હતી. ફ્લાઈટના સ્ટાફે સુરક્ષિત રીતે તેને તેની માતા પાસે પહોંચાડ્યો.
વિહાન દિલ્હીમાં પોતાના દાદા-દાદીના ઘરે આવ્યો હતો અને લોકડાઉનના કારણે 2 મહિના સુધી દિલ્હીમાં જ ફસાઇ ગયો હતો. ત્યારે વિશેષ શ્રેણીની યાત્રા કરી અને વિહાન દિલ્હીથી બેંગ્લુરુ એકલો જ આવ્યો. એરપોર્ટ પર પહોંચતા જ ફ્લાઈટ અટેન્ડન્ટે બાળકને તેની માતાને સોંપ્યો. દીકરાને જોતા જ માતા ભાવુક થઈ ગઈ. પરંતુ પૂરતી સાવચેતી રાખતાં તેને તેને ગળે લગાવી શકી નહીં.
મહત્વનું છે કે, સવારે 9 વાગ્યા સુધી બે ફ્લાઇટ્સ બેંગ્લુરુ એરપોર્ટ પર આવી હતી જ્યારે 17 ફ્લાઇટ્સ અહીંથી રવાના થઈ હતી. તો આ સાથે જ 9 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે.