નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીઓએ ચાર કટ્ટરવાદી કશ્મીરી યુવકોની ધરપકડ કરી છે, જેઓ આ રાષ્ટ્રીય પાટનગરમાં આતંકવાદી હુમલા કરવાની તૈયારીમાં હતા એવું કહેવાય છે.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ચારેય આરોપીઓને મધ્ય દિલ્હીના આઈટીઓ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા. એમની પાસેથી ચાર અત્યાધુનિક પિસ્તોલ અને 120 કારતૂસો જપ્ત કરવામાં આવી છે.
આરોપીઓના નામ છેઃ અલ્તાફ એહમદ દર (25), જે પુલવામાનો વતની છે, મુશ્તાક એહમદ ગની (27), ઈશ્ફાક મજીદ કોકા (28) અને આકીબ સફી (22) – આ ત્રણેય જણ શોપિયાંના વતની છે.
ઈશ્ફાક કોકા ઠાર કરાયેલા ત્રાસવાદી બુરહાન કોકાનો મોટો ભાઈ છે. બુરહાનને આ વર્ષની 29 એપ્રિલે શોપિયાંના મેલ્હોરા વિસ્તારમાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં ઠાર મારવામાં આવ્યો હતો. એ અંસાર ગજાવત-ઉલ-હિંદ નામના ટેરર જૂથનો વડો હતો. અંસાર ગજાવત-ઉલ-હિંદ જૂથ અલ કાયદાના ઈશારે જમ્મુ અને કશ્મીરમાં ગેરકાયદેસર-દેશવિરોધી પ્રવૃત્તિઓ ચલાવતું હતું.
કોકાના મૃત્યુ બાદ એના મોટા ભાઈ ઈશ્ફાકનો અંસાર ગજાવત-ઉલ-હિંદના આતંકવાદીઓએ સંપર્ક કર્યો હતો અને આ જૂથ માટે કામ કરવા તૈયાર કર્યો હતો, એમ પોલીસનું કહેવું છે.
ગયા શુક્રવારે પોલીસને બાતમી મળી હતી કે કટ્ટરવાદી કશ્મીર યુવાનોનું એક જૂથ દિલ્હીમાં ઘૂસ્યું છે, એમણે શસ્ત્રો અને કારતૂસો ભેગા કર્યા છે અને તેઓ આઈટીઓ અને દરિયાગંજ વિસ્તારમાં આવવાના છે. એને પગલે પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીઓએ આઈટીઓ નજીક છટકું ગોઠવ્યું હતું અને ચારેય આરોપીને ઝડપી લીધા હતા, એમ ડેપ્યુટી પોલીસ કમિશનર (સ્પેશિયલ સેલ) પ્રમોદસિંહ કુશવાહે કહ્યું.
પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે અંસાર ગજાવત-ઉલ-હિંદ જૂથના હાલના વડાએ ઈશ્ફાકનો સંપર્ક કર્યો હતો અને જેહાદી પ્રવૃત્તિઓ કરવા એને તૈયાર કર્યો હતો. ઈશ્ફાકે ત્યારબાદ અલ્તાફ, એના પિતરાઈ ભાઈઓ આકીબ અને ગનીને ભરમાવ્યા હતા. આ ચારેય જણ 27 સપ્ટેમ્બરે દિલ્હી આવ્યા હતા અને પહાડગંજ વિસ્તારમાં એક જગ્યાએ ઉતર્યા હતા. એ રોકાણ દરમિયાન જ એમણે શસ્ત્રો અને કારતૂસો-દારૂગોળો એકઠા કર્યા હતા.